ઉત્તરપ્રદેશ ધર્માંતરણ કેસમાં ગુજરાત કનેકશનઃ વડોદરાના એક ટ્રસ્ટમાં વિદેશથી આવ્યા હતા કરોડો રૂપિયા
અમદાવાદઃ ઉત્તરપ્રદેશમાં મુખબધિર યુવાનોના ધર્મપરિવર્તન પ્રકરણની તપાસમાં ગુજરાત કનેકશન સામે આવ્યું છે. ધર્મપરિવર્તન કેસમાં આરોપી મૌલાના ગૌત્તમ ત્રણેક વખત વડોદરા આવ્યો હતો અને સલાઉદ્દીન શેખને મળ્યાં હતા. ત્યાર બાદ તેના ટ્રસ્ટ આફમીમાં કરોડો રૂપિયા આવ્યાં હતા. જે પૈકી મોટાભાગની રકમ ધર્માંતરણ માટે મોકલી હતી. આ ઉપરાંત દેશના વિવિધ રાજ્યોમાં મસ્જિદો તૈયાર કરવા, દિલ્હીમાં સીએએના વિરોધ કરતા પ્રદર્શનકારીઓ પાછળ અને કોમી તોફાનમાં પકડાયેલા આરોપીઓને છોડાવવા માટે ખર્ચવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ધર્માંતરણ કેસના આરોપી મહમદ ઉમર ગૌતમની દિલ્હીમાં આવેલી દાવાહ નામની NGOના હિસાબની તપાસમાં વડોદરાના સલાઉદ્દીનના આર્થિક વ્યવહાર સામે આવ્યા હતા. વડોદરા પોલીસની તપાસમાં ખુલાસો થયો કે આફમી ટ્રસ્ટના સંચાલકોએ 2017થી અત્યાર સુધી 19 કરોડથી વધુ રકમ હવાલા મારફતે મેળવી હતી.
મૌલાના ઉમર ગૌતમ બેથી ત્રણ વખત વડોદરા આવ્યા પછી આફમી ટ્રસ્ટમાં વિદેશથી મોટી રકમ જમા થઈ હતી. જે પૈકી કેટલીક રકમ સલાઉદ્દીન, મોહમદ ઉમર અને તેના મળતિયાઓએ ટ્રસ્ટીઓની જાણ બહાર ગેરકાયદે ધર્માંતરણ કરવા રૂપિયા મોકલ્યાનું સામે આવ્યું છે. આ ઉપરાંત સલાઉદ્દીનને કેટલીકવાર દિલ્હીનો પણ પ્રવાસ કર્યો હોવાનો ખુલાસો થયો છે. એસઓજીએ આફમી ટ્રસ્ટનું ફાયનાન્શિયલ ઓડિટ કરાવ્યું હતું.
જેમાં સંખ્યાબંધ નાણાંકીય હેરાફેરીના પુરાવા મળ્યાં હતા. આફમી ટ્રસ્ટના ટેલી સોફ્ટવેરના એકાઉન્ટ અને ઈન્કમટેક્સમાં ફાઈલ કરેલા હિસાબમાં ભારે તફાવત જોવા મળ્યો હતો કેટલાક મોટા વેપારીઓ પાસેથી લાખો રૂપિયાની ખરીદીના બોગસ બિલ મેળવ્યા છે. આ પ્રકરણમાં ભરૂચ અને દિલ્હીના નામાંકિત લોકો, હવાલા ઓપરેટર અને આંગડિયા પેઢીની સંડોવણી હોવાનું પણ મનાઈ રહયું છે. એટલું જ નહીં ટ્રસ્ટને દુબઈથી રૂ. 24 કરોડ મળ્યાં હોવાનું પણ જાણવા મળે છે.
સમગ્ર પ્રકરણનો પર્દાફાશ થતા વડોદરા એસઓજીએ સલાઉદ્દીન, મૌલાના ઉમર, ગૌતમ એહમદ સહિતના આરોપી સામે ગુનો દાખલ કરીને તપાસ આરંભી છે. પોલીસની તપાસમાં અન્ય ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે.