Site icon Revoi.in

દિલ્હીથી પકડાયેલા 770 કિલો ડ્રગ્સનું ગુજરાત કનેક્શન ખૂલ્યું

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ડ્રગ્સનો કારોબાર વધતો જાય છે. દિલ્હીમાં તાજેતરમાં પકડાયેલા કરોડો રૂપિયાના ડ્રગ્સનો રેલો ગુજરાત સુધી પહોંચ્યો છે. દિલ્હીમાં ડ્રગ્સના સુત્રધારોની પૂછતાછમાં ગુજરાતના અંકલેશ્વરની એક ફેકટરીમાં ડ્રગ્સ બનાવવામાં આવતું હોવાની માહિતી મળતા પોલીસ ચોંકી ઊઠી હતી. દરમિયાન અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી આવકાર ડ્રગ્સ કંપનીમાંથી દિલ્હી અને ભરૂચ પોલીસના સંયુક્ત ઓપરેશનમાં 518 કિલો સોલ્ટ ફોર્મમાં કોકેઇન અને મેથનો જથ્થો મળી આવ્યો હતો. કંપનીમાંથી જપ્ત કરાયેલા રો મટીરીયલમાંથી કોકેઇન અને મેથ એમ બંને પ્રકારના ડ્રગ્સ બનાવી શકાય છે. પોલીસે કંપનીના ડિરેક્ટર અશ્વિન રામાણી, બ્રિજેશ કોઠિયા અને વિજય ભેંસાણીયા સહિત 5 આરોપી સામે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. આ કંપની 2016માં કાર્યરત થઇ હતી અને તે ઇન્ટરમીડીએટ ડ્રગ્સ બનાવવાનું કામ કરતી હોવાનું કહેવાય છે.

દેશના પાટનગર ગણાતા દિલ્હીના મહિપાલપુરા અને રમેશ નગરમાંથી ઝડપાયેલાં 5000 કરોડથી વધુના ડ્રગ્સ કૌભાંડનો રેલો ભરૂચના અંકલેશ્વર સુધી આવ્યો છે. ડ્રગ્સકાંડના આરોપીઓ પાસેથી મળેલી વિગતોના આધારે દિલ્હી અને ભરૂચ પોલીસે અંકલેશ્વર જીઆઇડીસીના પ્લોટ નંબર 3708માં આવેલી આવકાર ડ્રગ્સ પ્રાઇવેટ લીમીટેડ કંપનીમાં છાપો માર્યો હતો. કંપનીમાં તપાસ કરવામાં આવતાં 518 કિલો સોલ્ટ ફોર્મમાં કોકેઇન અને મેથનો જથ્થો મળી આવ્યો હતો.

આ રો- મટીરીયલ કોકેઇન અને મેથ એમ બંને પ્રકારના ડ્રગ્સ બનાવવા માટે ઉપયોગમાં લઇ શકાય તેવું હોવાનું પોલીસ સુત્રોમાંથી જાણવા મળી રહયું છે. કંપનીમાંથી મળેલા મટીરીયલની બજાર કિમંત 5,100 કરોડથી વધુ હોવાની માહિતી છે. સર્ચ ઓપરેશનમાં ડ્રગ્સનું મટીરીયલ મળી આવ્યાં બાદ કંપનીના ડીરેકટર અશ્વિન રામાણી, બ્રિજેશ કોઠીયા અને વિજય ભેંસાણીયા સહિત 5 આરોપી સામે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. આ કંપની 2016માં કાર્યરત થઇ હતી. હજી પોલીસ વધુ તપાસ કરી રહી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ગઈ તા. 1લી ઓક્ટોબરે દિલ્હી પોલીસે મહિપાલપુરમાંથી 562 કિલો કોકેઈન અને 40 કિલો હાઈડ્રોપોનિક ગાંજો જપ્ત કર્યો હતો. આ પછી, 10 ઓક્ટોબરે તપાસ દરમિયાન આ જ કેસમાં દિલ્હીના રમેશ નગરમાં એક દુકાનમાંથી 208 કિલો કોકેઈન મળ્યું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ દ્રવ્ય ફાર્મા સોલ્યુશન સર્વિસ નામની કંપનીનું છે અને આ નશીલા પદાર્થ અંકલેશ્વરની આવકાર ડ્રગ્સ લિમિટેડ કંપનીમાંથી આવ્યો હતો. આથી દિલ્હી પોલીસ અને ગુજરાત પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને કરોડો રૂપિયાનો ડ્રગ્સનો ઝથ્થો પકડી પાડ્યો છે.