ગાંધીનગરઃ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, બોટાદ, મોરબી ,ઉપરાંત અરવલ્લી, મહીસાગર અને છોટાઉદેપુર એમ કુલ સાત જગ્યાઓમાં કરાર આધારિત કાયદા અધિકારીઓની જગ્યા ભરવા માટેની વહીવટી મંજૂરી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યના સાત જિલ્લાઓમાં જિલ્લા કલેકટર કચેરીમાં કરાર આધારે પ્રત્યેક જિલ્લા દીઠ એક કાયદા અધિકારીની નવી જગ્યા ઊભી કરવા માટે રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે અને આ સાત જગ્યાઓ ભરવા માટે 33 ,60,000 ખર્ચની વહીવટી મંજૂરી આપવામાં આવી છે ઉલ્લેખનીય છે કે કરાર આધારિત કાયદા અધિકારી ને 40 હજારના ફિક્સ પગાર ધોરણથી નિમણૂક કરવામાં આવશે.
આ ઉપરાંત રાજ્યના 33 જિલ્લાઓની કલેકટર કચેરીઓમાં હિસાબનીશ અધિકારી વર્ગ 2 ની 16 નવી જગ્યા સાથે હિસાબનીશ વર્ગ 3 ની 16 જગ્યા મળી કુલ 32 નવી જગ્યાઓ ઉભી કરવા માટે પણ રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા નિર્ણય કરવામાં આવે છે અને આ જગ્યાઓ ભરવા માટે 1 કરોડ 35 લાખ 64 હજાર રૂપિયા ની વહીવટી મંજૂરી પણ આપી દેવામાં આવી છે
ઉલ્લેખનીય છે કે, મંજુર થયેલ મહેકમ મુજબ જિલ્લા દીઠ એક હિસાબી અધિકારી વર્ગ 2 અને એક હિસાબનીશ અધિકારી વર્ગ 3 સંવર્ગની જગ્યાઓ મંજુર કરવામાં આવી છે. જે અંતર્ગત અમરેલી, અરવલ્લી ,આણંદ, કચ્છ ,ખેડા, ગાંધીનગર, ગીર સોમનાથ, છોટાઉદેપુર, જુનાગઢ, ડાંગ, દાહોદ, તાપી, દેવભૂમિ દ્વારકા, નર્મદા, નવસારી ,અને પંચમહાલ જિલ્લાનો સમાવેશ થાય છે આમ રાજ્ય સરકારના મહેસુલ વિભાગ દ્વારા હિસાબી અધિકારી વર્ગ-2 અને હિસાબનીશ અધિકારી વર્ગ-3 સહિત કુલ 32 નવી જગ્યાઓ ભરવાના આદેશ કર્યા છે