અમદાવાદ :લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે.ત્યારે ભાજપ અત્યારથી જ ચૂંટણીના મોડમાં આવી ગયું છે. ગુજરાત ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ અત્યારે આ જ કરી રહ્યા છે. તેઓ કાર્યકરો અને પદાધિકારીઓને લોકસભાની ચૂંટણી માટે તૈયાર કરી રહ્યા છે. સુરતની ચોર્યાસી વિધાનસભા બેઠક પર યોજાયેલા ભાજપના સ્નેહસંમેલનમાં પાટીલે ફરી લોકસભાની તમામ બેઠકો જીતવાની વાતને દોહરાવી. તેમણે કાર્યકરોને તમામ બેઠકો 5 લાખથી વધુ મતોની લીડ સાથે જીતીને રેકોર્ડ સર્જવા આહ્વાહન કર્યું છે.
વધુ જાણકારી અનુસાર 2014 અને 2019માં ભાજપે ગુજરાતમાં લોકસભાની તમામ 26 બેઠકો જીતી હતી. 2019માં ભાજપે 4 લોકસભા બેઠકો પર પાંચ લાખથી વધુ મતોની લીડ મેળવી હતી. જો કે પાટીલ હવે આ લીડને તમામ બેઠકો માટે લાગુ કરવા માગે છે. આ માટે તેમણે કાર્યકરો, પદાધિકારીઓ અને સાંસદ સુધીના ચૂંટાયેલા પ્રતિનિધિઓને અત્યારથી જ જનસંપર્કમાં લાગી જવા કહ્યું છે..
જો કે તે વાત પણ નોંધવા જેવી છે કે લોકસભાની ચૂંટણી હવે દૂર નથી, પાંચ રાજ્યોના પરિણામો બાદ લોકસભા માટેનો માહોલ જામી જશે, ત્યારે ભાજપ અત્યારથી જ ચૂંટણીના મોડમાં આવી ગયું છે. સ્નેહ સંમેલન કાર્યક્રમમાં સી આર પાટીલે ફરી કાર્યકરોને લક્ષ્યાંક યાદ અપાવ્યો છે. ભાજપનો લક્ષ્યાંક ફક્ત તમામ બેઠકો જીતવાનો નહીં, પણ જંગી લીડ સાથે જીતવાનો છે. દિવાળી બાદ ગુજરાત ભાજપમાં સ્નેહ સંમેલન સમારંભોનો દોર ચાલી રહ્યો છે. આ કાર્યક્રમોમાં ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાય છે. જેને જોતાં કાર્યકરોને કોઈ સંદેશ આપવો હોય તો આ અવસર યોગ્ય છે..
ઉલ્લેખનીય છે કે 2022ની વિધાનસભા ચૂંટણીમાં પાટીલે તમામ 182 બેઠકો જીતવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો હતો. જો કે ભાજપે 156 બેઠકો જીતી હતી, જે પોતાનામાં રેકોર્ડ છે. આ જ તર્જ પર પાટીલે લોકસભામાં પાંચ લાખ મતોની લીડનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે.