ગાંધીનગરઃ ગુજરાતમાં વિકાસે હરણફાળ ભરી છે. તેના લીધે ગુજરાતનું દેવું પણ વધી રહ્યું છે. કહેવાય છે કે વિકાસ હોય તો દેવું થવાનું છે કારણ કે રૂપિયા વિના વિકાસ પણ શક્ય નથી. ગુજરાત સરકારનું દેવુ રૂપિયા 3,00, 963 કરોડને પાર થયુ છે. દેવામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. તેના લીધે સરકારને આવક વધાર્યા વિના છૂટકો નથી. ત્યારે રાજ્યના બજેટમાં કેટલા કરવેરા લદાય છે, તે જોવું રહ્યું. બીજીબાજુ રાજ્યની મોટાભાગની નગરપાલિકાની આર્થિક હાલત કથળી રહી છે. 157 નગરપાલિકાઓના પાણી અને વીજળી બીલનું બાકી લ્હેણું રૂપિયા 1,160 કરોડે પહોંચ્યુ છે. જો, ગુજરાત સરકાર દ્વારા પાલિકાઓને ચૂકવાતી સહાય બંધ કરી દેવાય તો નગરપાલિકાઓની આર્થિક સ્થિતિ વધુ વણસી જશે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં મોટાભાગની નગરપાલિકાની આર્થિક હાલત ડામાડોળ બની છે. જેમાં તાજેતરમાં જ જસદણ અને ભૂજ પાલિકાનું વીજકંપનીએ કનેક્શન કાપી નાખતાં સત્તાધીશો દોડતા થઈ ગયા હતા. ઘણીબધી નગરપાલિકાના સત્તાધિશો બાકી વેરાઓની ઉઘરાણી ન કરી શકતા આ બોજ સરકાર પર પણ વધી રહ્યો છે. પાણી પુરવઠા અને વીજકંપનીઓના તોતિંગ બિલો પાલિકા પર ચડી રહ્યાં છે. 157માંથી ઘણી નગર પાલિકાઓ આ બિલો ચૂકવવામાં અસમર્થ છે કારણ કે એમની વસૂલાત ઓછી છે. તાજેતરમાં રાજ્યની તમામ નગરપાલિકાઓના પદાધિકારી અને ચીફ ઓફિસર્સની સિટી લિડર્સ કોન્કલેવ મળી હતી. જેમાં 150 શહેરી સંસ્થાની આર્થિક વિકાસનું પ્રેઝન્ટેશન કરાયું હતું. હાલમાં 157 નગરપાલિકાઓને પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ પાણી પુરૂ પાડે છે. વોટર ચાર્જિસ પેટે સરકારના આ બોર્ડને રૂપિયા 610 કરોડ લેવાના બાકી નીકળે છે. જ્યારે સ્ટ્રીટ લાઈટ સહિત વીજ વપરાશ પેટે રૂપિયા 550 કરોડનું બીલ વિવિધ ઉર્જા કંપનીઓને લેવાનું બાકી બોલે છે. નગરપાલિકાઓ બાકી વેરાની કડકાઈથી વસુલાત કરી શકતી નથી. તમામ નગરપાલિકાના સત્તાધિશો સરકાર દ્વારા વધુ અનુદાન મળે તેવી માગણીઓ કરી રહ્યા છે.