અમદાવાદઃ ગુજરાત દીપોત્સવી અંક-2077નું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે વિમોચન થયું. આ પ્રસંગ્રે મુખ્ય અગ્રસચિવ, મુખ્યમંત્રીના સચિવ અને માહિતી ખાતાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે માહિતી ખાતા દ્વારા પ્રકાશિત ગુજરાત દીપોત્સવી અંક વિક્રમ સંવત 2077ને લોકાર્પિત કરતાં કહ્યું કે, ગરવા ગુજરાતનો સાહિત્યિક વારસો અલભ્ય અને અદભુત છે. ગુજરાતનું ખમીર અને ઝમીર દીપોત્સવી અંકના માધ્યમથી ઉજાગર થાય છે. લબ્ધપ્રતિષ્ઠિત ગુજરાતી સાહિત્ય સર્જકોની નિવડેલી કલમે ગુજરાત દીપોત્સવી અંક વાંચકો માટે પ્રતિવર્ષનું યાદગાર સંભારણું બની જતું હોય છે.
મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, મુખ્યમંત્રીના સચિવ સુશ્રી અવંતિકા સિંઘ, માહિતી નિયામક ડી. પી. દેસાઈ, અધિક માહિતી નિયામક અરવિંદભાઈ પટેલ સાથે આ પ્રસંગે મને પણ ઉપસ્થિત રહેવાનું સોભાગ્ય મળ્યું હોવાનું માહિતી ખાતાના ઉચ્ચ અધિકારી પુલકભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં દર વર્ષે દીવાળી પૂર્વે ગુજરાત દીપોત્સવ અંક પ્રસિદ્ધ કરવામાં આવે છે. એવી જ રીતે આ વર્ષે પણ ગુજરાત દીપોત્સવી અંકનું વિમોચન કરવામાં આવ્યું હતું.