અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2022માં લેવાયેલી ધો. 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ ગત તા. 4નાં રોજ બોર્ડની વેબસાઈટ પર પ્રસિધ્ધ કરી દેવાયા બાદ વિદ્યાર્થીઓની માર્કસશીટનું વિતરણ આગામી તા. 13ને સોમવારે સવારનાં 10 થી 6 કલાક દરમિયાન ઉચ્ચતર માધ્યમિક શાળાઓને કરવામાં આવનાર છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના નાયબ નિયામક (પરીક્ષા) ડો. અવનીબા મોરીએ જણાવ્યું હતું કે ધો. 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓની માર્કસશીટ પ્રમાણપત્ર સહિતનું સાહિત્ય તા. 12ને રવિવારે બોર્ડનાં પ્રતિનિધિ દ્વારા રાજ્યના તમામ જિલ્લા મથકો પર પહોંચાડી દેવાશે. ત્યારબાદ તા. 13ને સોમવારે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા શાળાઓને સવારનાં 10 થી 6 કલાક દરમિયાન શાળાઓને પહોંચાડાશે. સોમવારે વિદ્યાર્થીઓને માર્કશીટનું વિતરણ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયાના બે દિવસ બાદ શિક્ષણ બોર્ડ દ્વારા ધો-10ની માર્ચ 2022માં લેવાયેલી પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં ધો-10ના વિદ્યાર્થીઓને પણ માર્કશીટનું વિતરણ કરવામાં આવશે.