અમદાવાદઃ ગુજરાતમાં ખેડૂતોના હિત માટે કાર્યરત સૌથી મોટી ખેતી બેંક ઉપર પ્રથમવાર ભાજપ ભગવો લહેરાયો છે. 18 ડિરેક્ટર પૈકી 14 ડિરેક્ટરો ભાજપના છે દરમિયાન ખેતી બેંકના ચેરમેન તરીકે ડોલરભાઈ કોટેચા અને વાઈસ ચેરમેન તરીકે ફળજીભાઈ પટેલની પસંદગી કરવામાં આવી છે. આગામી વર્ષોમાં ખેડૂતોની આવક બમણી કરવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્નને સાકાર કરવાનો નિર્ધાર ડોલરભાઈએ વ્યક્ત કર્યો હતો.
ખેતી બેંકના ચેરમેન ડોલરભાઈ કોટેચાએ જણાવ્યું હતું કે, આજે ખેતી બેંકનો 71મો સ્થાપના દિવસ છે અને આજના આ પ્રવિત્ર દિવસે જ મારી ચેરમેન તરીકે નિમણુંક થઈ છે. આગામી દિવસોમાં ખેડૂતોની આવક બમણી થાય તે દિશામાં કામગીરી કરવામાં આવશે. ખેડૂતો માટે વિવિધ યોજનાઓ અમલમાં મુકવાનું આયોજન કરવામાં આવ્યું છે. ખેડૂતોને કંઈ રીતે ઓછા વ્યાજે વધુમાં વધુ ધિરાણ મળે તે દિશામાં કામગીરી કરવામાં આવશે.
ખેતી બેંકના આગેવાને જણાવ્યું હતું કે, વર્ષોથી ખેતી બેંક ચાલે છે, જો કે, પ્રથમવાર ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે. ખેતી બેંક દ્વારા ખેડૂતોના હિતમાં અનેક કામગીરી કરવામાં આવશે. સહકારી પ્રવૃતિમાં મહત્વનું યોગદાન આપનારા ડોલરભાઈ કોટેચા અનેક સહકારી સંસ્થાઓમાં મહત્વની જવાબદારી નિભાવી છે.