Site icon Revoi.in

ગુજરાતઃ ધો-1થી 8ના વિદ્યાર્થીઓમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટીને 2.8 ટકા પર પહોંચ્યો

"Education" Button on Modern Computer Keyboard.

Social Share

અમદાવાદઃ સમાજમાં સાક્ષરતાના મહત્વને ઉજાગર કરવાના ઉદ્દેશથી દર વર્ષે 8 સપ્ટેમ્બરના રોજ ‘આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ’ ની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે ‘પ્રમોટિંગ લિટરસી ફોર અ વર્લ્ડ ઇન ટ્રાન્ઝિશન: બિલ્ડીંગ અ ફાઉન્ડેશન ફોર સસ્ટેનેબલ એન્ડ પીસફુલ સોસાયટીઝ’ (પરિવર્તનશીલ વિશ્વ માટે સાક્ષરતાને પ્રોત્સાહન આપવું: ટકાઉ અને શાંતિપૂર્ણ સમાજ માટે પાયાનું નિર્માણ) ના થીમ સાથે વિશ્વમાં આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસની ઉજવણી કરવામાં આવશે.

રાજ્યમાં શાળાકીય શિક્ષણનો વ્યાપ વધે અને તમામ બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે તે માટે શાળા પ્રવેશોત્સવ, ગુણોત્સવ, કન્યા કેળવણી રથયાત્રા, મધ્યાહ્ન ભોજન યોજના, વિદ્યાલક્ષ્મી બોન્ડ વગેરે જેવી યોજનાઓનો અસરકારક અમલ થઈ રહ્યો છે. પરિણામ સ્વરૂપે આજે ગુજરાતની શાળાઓમાં ધોરણ 1 થી 8માં સ્કૂલ છોડીને જતા બાળકોનો ડ્રોપઆઉટ રેશિયો ઘટીને ફક્ત 2.8 ટકા જ રહ્યો છે. ધોરણ 8 થી 9નો ડ્રોપ આઉટ રેટ ઘટીને ચાલુ વર્ષે 5.5% થયો હતો.

ધોરણ 8 થી 9માં ડ્રોપઆઉટ રેટ ઘટાડવા માટે રાજ્ય સરકાર દ્વારા સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. જેના પરિણામે ચાલુ વર્ષે ધોરણ 8 થી 9 નો ડ્રોપઆઉટ રેટ ઘટીને 5.5% થયો છે. રાજ્યની ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમના ડેટાના આધારે ધોરણ 8થી 9માં પ્રવેશપાત્ર વિદ્યાર્થીઓ પૈકી વર્ષ 2021-22માં 1.46 લાખ વિદ્યાર્થીઓ અને 2022-23માં 1.11 લાખ વિદ્યાર્થીઓ ડ્રોપઆઉટ થયા હતા. તેની સામે ચાલુ વર્ષે ધોરણ 9માં પ્રવેશપાત્ર 10.21 લાખ વિદ્યાર્થીઓ પૈકી ફક્ત 56,000 જેટલા, એટલે કે 5.5% વિદ્યાર્થીઓ જ હાલ ડ્રોપઆઉટ છે, જેમને પણ વિવિધ વિકલ્પો આપી અભ્યાસ ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત કરવા માટે કામગીરી ચાલુ છે.

ગુજરાતમાં શિક્ષણનો, ખાસ કરીને પ્રાથમિક શિક્ષણનો જે વ્યાપ વધ્યો છે, તેમાં સૌથી મોટી ભૂમિકા રાજ્ય સરકારના ‘શાળા પ્રવેશોત્સવ’ કાર્યક્રમે નિભાવી છે. વર્ષ 2023માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આયોજિત થયેલા 20મા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ થકી રાજ્યના 9.77 લાખ બાળકોએ આંગણવાડીમાં તેમજ 2.30 લાખ બાળકોએ ધોરણ-1માં પ્રવેશ મેળવ્યો હતો, જે આ કાર્યક્રમની ભવ્ય સફળતા દર્શાવે છે. આજે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમને કારણે રાજ્યની શાળાઓમાં બાળકોનો એનરોલમેન્ટ રેશિયો 100 ટકાએ પહોંચ્યો છે.

ઉત્તમ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ દ્વારા બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે હેતુથી રૂ.10,000 કરોડના ખર્ચે રાજ્યમાં ‘મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ’ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓને સ્પર્ધાત્મક અને માળખાકીય રીતે શ્રેષ્ઠ બનાવવામાં આવશે તેમજ બાળકો માટે સ્માર્ટ ક્લાસરૂમ્સ, સ્ટેમ લેબ જેવી અદ્યતન ભૌતિક સુવિધાઓ વિકસિત કરવામાં આવશે. અંદાજે રાજ્યના 1 કરોડથી વધુ વિદ્યાર્થીઓને આ પ્રોજેક્ટનો સીધો લાભ મળશે.