અમદાવાદઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં અવાર-નવાર ભૂકંપના હળવા આંચકા નોંધાય છે. દરમિયાન રાજકોટ અને તાલાલા ગીરમાં ભૂકંપનો આંચલો આવતા લોકોમાં ભય ફેલાયો છે. બંને નગરોમાં આવેલા ભૂકંપની તીવ્રતા ઓછી હોવાથી સદનસીબે કોઈ જાનહાની નહીં થઈ હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાં બપોરના સમયે ભૂકંપનો આંચકો આવ્યો હતો. આ આંચકાની તીવ્રતા 1.4ની નોંધાઈ હતી. તેમજ તેનું કેન્દ્રબિંદુ તલાલાથી 5 કિમી દૂર ઈસ્ટ-નોર્થ ઈસ્ટ ખાતે નોંધાયું હતું. ત્યાર બાદ ગણતરીની મિનિટોમાં સૌરાષ્ટ્રની આર્થિક રાજધાની મનાતા રાજકોટમાં ધરતી ધણધણી હતી. રાજકોટમાં પણ 1.5ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. તેનું કેન્દ્રબિંદુ રાજકોટથી 13 કિમી દૂર નોંધાયું હતું.
તાલાલા અને રાજકોટમાં ગણતરીની મિનિટમાં ભૂકંપના બે હળવા આંચકા આવતા લોકોમાં ભય ફેલાયો હતો. જો કે, સદનસીબે ભૂકંપની તિવ્રતા ઓછી હોવાથી કોઈ જાનહાની થઈ ન હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં અવાર-નવાર ભૂકંપના આંચકા આવે છે. છેલ્લા લગભગ 45 દિવસથી ભૂકંપના આંચકા કચ્છમાં નોંધાતા હતા. જો કે, બે દિવસથી ભૂકંપનો આંચકો નહીં આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.