અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એન્જિનિયરિંગ અને ફાર્મસી વિદ્યાશાખામાં પ્રવેશ માટે દર વર્ષે ગુજકેટની પરીક્ષા લેવામાં આવે છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ ઈજનેરી-ફાર્મસીમાં પ્રવેશ મેળવવા માગતા હોય તો બોર્ડની પરીક્ષા બાદ ગુજકેટની પરીક્ષા આપતા હોય છે. આ વખતે ગુજકેટની પરીક્ષા માટેના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 16મી જાન્યુઆરી હતી, જેમાં ફોર્મ ભરવાની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે. હવે 22મી જાન્યુઆરી સુધી ગુજકેટના ફોર્મ ભરી શકાશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ ધોરણ 12 પછી લેવાતી ગુજકેટની પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ છે. અગાઉ 16 જાન્યુઆરી સુધી નિયત કરવામાં આવી હતી. પરંતુ હવે 22 જાન્યુઆરી સુધી ભરી શકાશે. કેટલાક વિદ્યાર્થીઓ કોઈ કારણસર ગુજકેટ પરીક્ષાના ફોર્મ ભરી શક્યા નહતા. તેની રજુઆતો બાદ પરીક્ષા ફોર્મ ભરવાની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ડિગ્રી એન્જિનિયરીંગ, ડિગ્રી, ડિપ્લોમાં ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માગતા A, B અને AB ગ્રૂપના HSC વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારો માટે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ-2024ની પરીક્ષાના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 16 જાન્યુઆરી 2024 જ હતી, પરંતુ હવે તે તારીખ લંબાવવામાં આવી છે એટલે કે, હવે 22મી જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે. ગુજકેટ 2024ની પરીક્ષાનું આવેદનપત્ર બોર્ડની વેબસાઈટ www.gseb.org તથા gujcet.gseb.org પર તારીખ 22 જાન્યુઆરી સુધીમાં ઓનલાઈન ભરી શકાશે. ગુજકેટની પરીક્ષા માટે ફી. રૂપિયા 350 એસબીઆઈ પે સિસ્ટમ મારફતે અથવા તો એસબીઆઈ બ્રાન્ચ પેમેન્ટ ઓપ્શન દ્વારા દેશની કોઈ પમ એસબીઆઈ બ્રાન્ચની ભરી શકાશે.