Site icon Revoi.in

ગુજરાત ચૂંટણી 2022: 11.74 લાખ યુવા મતદારો પ્રથમવાર મતદાન કરશે

Social Share

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ચૂંટણીપંચ દ્વારા તૈયારીઓ કરી લેવામાં આવી છે. બીજી તરફ રાજકીય પક્ષોએ પ્રચાર-પ્રસાર વધારે તેજ બનાવ્યો છે. ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે ચૂંટણીપંચ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. ચૂંટણીપંચે મતદારોની મતદાર યાદીમાં નોંધણીના નિયમોમાં સુધારો કરવામાં આવ્યો છે. વિધાનસભાની ચૂંટણીમાં કુલ 11.74 લાખ યુવાઓ પ્રથમવાર મતદાન કરશે. વિધાનસભાની ચૂંટણીમાં લગભગ ચાર કરોડથી વધારે મતદારો ઉમેદવારોના ભાવી નક્કી કરશે.

મુખ્ય નિર્વાચન અધિકારી પી.ભારતીએ જણાવ્યું હતું કે, સુધારણા કાર્યક્રમ પછી 10 ઓક્ટોબર,2022ની સ્થિતિએ તા. 1-1-2022થી તા.1-10-2022 દરમિયાન 18 વર્ષના થયા હોય તેવા 3,24,420 યુવાઓ મતદાર યાદીમાં સામેલ થયા છે. પ્રથમ તબક્કામાં યોજાનારી 89 બેઠકો પરની ચૂંટણીમાં કુલ 5,87,175 મતદારો પ્રથમવાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

ગુજરાતમાં સૌથી વધુ યુવા મતદારોમાં સુરત જિલ્લામાં 1,02,506, ભાવનગરમાં 45,277, રાજકોટમાં 42,973, કચ્છમાં 42,294 અને સુરેન્દ્રનગર જિલ્લામાં 39,437 છે. જ્યારે જે જિલ્લામાં સૌથી ઓછા યુવા મતદારો નોંધાયા છે તેમાં ડાંગમાં 8,680, પોરબંદરમાં 13,561, તાપીમાં 13,800, નર્મદામાં 15,796 અને બોટાદમાં 15,612 મતદારો છે.

બીજા તબક્કામાં યોજાનારી 93 બેઠકો પરની ચૂંટણીમાં કુલ 5,87,195 મતદારો પ્રથમવાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં સૌથી વધુ યુવા મતદારોમાં અમદાવાદ 93,428, બનાસકાંઠામાં 81,515, વડોદરામાં 47,343, દાહોદમાં 47,194 તેમજ મહેસાણામાં 40,930નો સમાવેશ થાય છે. રાજ્યમાં 182 બેઠકો પર યોજાનારી ચૂંટણીનાં બે તબક્કામાં કુલ 11,74,370 યુવા મતદારો પ્રથમવાર તેમના મતાધિકારનો ઉપયોગ કરશે.