અમદાવાદઃ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર આકરા પ્રહાર કર્યા હતા. ગુજરાતમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ સુરતમાં વિશાળ રેલી યોજી હતી. સુરતમાં રેલી દરમિયાન ખડગેએ પોતાને અછુત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જુઠાણાના સરદાર ગણાવ્યાં હતા. તેમણે કહ્યું કે, વડાપ્રધાન પોતાને ગરીબ કહે છે પરંતુ મારાથી વધારે ગરીબ કોણ હશે હું તો અછૂત છું.
કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ વડાપ્રધાનને લઈને કહ્યું હતું કે, તમારા જેવી વ્યક્તિ જો દાવો કરે છે કે હું ગરીબ છું, અરે ભાઈ અમે પણ ગરીબ છીએ, અમે તો અતિગરીબ છીએ. અનેક લોકોએ તમારી ચા પીધી હશે, મારી તો કોઈ ચા પણ નથી પીતું, તેમ છતા પણ આપ કહો છો કે, હું ગરીબ છુ, કોઈએ મને અપશબ્દો બોલ્યા, મારી તો હેસિયત શું છે.
તેમણે કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી અને અમિત શાહ પૂછે છે કે, કોંગ્રેસે છેલ્લા 70 વર્ષમાં શું કર્યું, જો 70 વર્ષમાં કોઈ કામ ન થયા હોત તો આપણે આજ લોકતંત્ર ન હોત. આવી વાત કરી કરીને આપ લોકોની સહાનુભૂતિ મેળવવાના પ્રયાસ કરી રહ્યાં છો, પરંતુ હવે પ્રજા પણ હોંશિયાર થઈ ગઈ છે. એકાદ-બે વખત બોલો તો લોકો સાંભળી લેતા, પરંતુ જુઠાણા ઉપર જુઠાણા કેટલીવાર ચાલશે. તેઓ જુઠાણાના સરદાર છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી તા. 1લી ડિસેમ્બર તથા 5મી ડિસેમ્બરના રોજ બે તબક્કામાં મતદાન યોજાશે. 182 બેઠકો ઉપર ચૂંટણીને લઈને રાજકીયપક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છો. બે તબક્કામાં મતદાન બાદ તા. 8મી ડિસેમ્બરના રોજ મત ગણતરી યોજાશે.