ગુજરાત ચૂંટણી 2022 : ભાજપને સ્પષ્ટ બહુમતી, કોંગ્રેસના સુપડા સાફ, આપને પાંચ બેઠક મળી
અમદાવાદઃ ગુજરાતની જનતાએ મોદીને પ્રેમ વધારે આપ્યો છે. ભાજપાએ ઈતિહાસ રચ્યો છે. પીએમ મોદી અને અમિત શાહે સમગ્ર રાજ્યમાં પ્રચાર-પ્રસાર કર્યો હતો. પ્રચાર પ્રસાર દરમિયાન સિનિયર નેતાઓનું માર્ગદર્શન મળ્યું છે. તેમ ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલે જણાવીને પ્રજા, ભાજપના નેતા-કાર્યકરોનો આભાર માન્યો હતો. ચૂંટણી પ્રચાર કાર્યકરો માટે યાદગાર પ્રસંગ હોય છે. મતદારોએ ભાજપના ઉપર જે વિશ્વાસ વ્યક્ત કર્યો છે, અનેક રાજકીય પક્ષોએ મોટા-મોટા વાયદા કર્યાં હતા. પ્રજાને ગુમરાહ કરવા માટે વાયદા કર્યાં હતા. ગુજરાતની શાંતિને ડહોળવા માટે ચૂંટણીમાં ભાગ લીધો છે. ગુજરાત પોતાના સામાર્થને ઓળખે છે અને આવી ષડયંત્રકારી શક્તિઓને નકારીને ભાજપાને જીત અપાવી છે.
કેટલાક લોકોએ અમારી સરકાર બનશે તેવુ લખીને આપ્યું હતું. કેટલાક લોકોએ પરિવર્તનની વાતો કરી હતી. પરંતુ ગુજરાતની જનતાએ તેમને જવાબ આપ્યો છે. ગુજરાતમાં ડબલ એન્જિન સરકાર વિકાસના નવા આયામ પ્રાપ્ત કરશે. સત્તા મેળવ્યા બાદ લોકોની સેવાની પરંપરા નવા પ્રતિનિધિઓ નિભાવશે. સરકારની 12મી ડિસેમ્બરના 2 કલાકે હેલિપેડ ખાતે થશે અને શપથ વિધીમાં પીએમ મોદી અને અમિત શાહ ઉપસ્થિત રહેશે. સૌથી વધારે બેઠકો, સૌથી વધારે મતની ટકાવારી અને સૌથી વધારે મતદાન મેળવવાનો ઈતિહાસ રચ્યો છે.
ભાજપાએ કોંગ્રેસનો ગઢના કાંકરા ખેરવ્યા, દરિયાપુર બેઠક ઉપર ભાજપાએ જીત મેળવી ઈતિહાસ રચ્યો
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું મતગણતરી હાથ ધરવામાં આવ્યું હતું. અમદાવાદ શહેર અને જિલ્લાની બેઠકો ઉપર ભાજપ આગળ જોવા મળતી હતી. જ્યારે મુસ્લિમ બહુમતી ધરાવતા દરિયાપુરની બેઠક ઉપર ભાજપાએ ઐતિહાસિક જીત મેળવીને રાજકીય પંડીતોને પણ ચોંકાવી દીધા હતા. જ્યારે મુસ્લિમ બહુમતી ધરાવતી ખાડિયા-જમાલપુર બેઠક કોંગ્રેસે જાળવી રાખી હતી.
અમદાવાદની ઘાટલોડિયા બેઠક ઉપર ભાજપ જીત તરફ સતત આગળ વધી રહ્યું છે. આ બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર ભુપેન્દ્ર પટેલ હરિફ કોંગ્રેસના ઉમેદવાર અમીબેન યાજ્ઞિક અને આપના ઉમેદવાર સામે જંગી લીડ મેળવશે. જો કે, અમદાવાદની દરિયાપુર બેઠક ઉપર ભાજપાએ અપસેટ સર્જયો હતો. વર્ષોથી કોંગ્રેસનો ગઢ ગણાતા દરિયાપુર વિસ્તારમાં કોંગ્રેસે મુસ્લિમ ઉમેદવાર બદરુદ્દીનને મેદાનમાં ઉતાર્યાં હતા. જ્યારે ભાજપાએ સિનિયર નેતા કૌશિક જૈનને ઉમેદવાર જાહેર કર્યા હતા. મુસ્લિમ બહુમતી ધરાવતી દરિયાપુર બેઠક ઉપર કોંગ્રેસનો જ વિજય થવાની આશાઓ વ્યક્ત થઈ હતી. જો કે, આ બેઠક ઉપર ભાજપાએ ઈતિહાસ રચી નાખ્યો છે. આ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર કૌશિક જૈનનો વિજય થયો હતો. બીજી તરફ મુસ્લિમ બહુમતી ધરાવતા જમાલપુર-ખાડીયા બેઠક ઉપરથી ભાજપાએ સિનિયર નેતા ભુષણ ભટ્ટ અને કોંગ્રેસે ઈમરાન ખેડાવાલાને મેદાનમાં ઉતાર્યાં હતા. આ બેઠક ઉપરથી કોંગ્રેસના જ ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાની જીત થવાની આશાઓ પહેલાથી સેવાઈ રહી હતી, અને આશાઓ અનુસાર જ કોંગ્રેસના ઉમેદવાર હરિફ ભાજપના ભુષણ ભટ્ટને હરાવીને ફરીથી વિજેતા બન્યાં હતા.
કોંગ્રેસ હવે વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરશેઃ જગદીશ ઠાકોર
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની મતગણતરીની સાથે જ ભાજપા ટ્રેન્ડમાં હતું અને 140થી વધારે બેઠકો ઉપર ભાજપ આગળ હતું. જ્યારે કોંગ્રેસ 24 જેટલી બેઠકો ઉપર આગળ હતી. વર્ષ 2017ની સરખામણીમાં આ ચૂંટણીમાં કોંગ્રેસનું ભારે ધોવાણ થયાનું જોવા મળી રહ્યું છે. દરમિયાન ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે પ્રજાના નિર્ણયને સર્વોચ્ચ માન્યો હતો. તેમજ કોંગ્રેસ હવે વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં લાગશે તેમ તેમણે જણાવ્યું હતું.
જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, હજુ બેથી 3 જેટલા રાઉન્ડ થયાં છે, જેમાં ભાજપ આગળ છે, 10 રાઉન્ડ બાદ જ પરિસ્થિતિ સ્પષ્ટ થશે. જો કે, પ્રજાનો જે પણ આદેશ હશે તે અમે સ્વિકારીશું. આગામી દિવસોમાં કોંગ્રેસને વધારેમાં વધારે મજબુત કરવા માટે પ્રયાસો કરવામાં આવશે. એટલું જ નહીં કોંગ્રેસ હવે વર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરશે.
ભાજપ 134 બેઠક ઉપર આગળ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મતગણતરીમાં 9.30 કલાકે ભાજપ 134 બેઠકો ઉપર આગળ હતું. રાજ્યમાં ફરી એકવાર ભાજપની સરકાર બનતી હોવાથી નેતાઓ અને કાર્યકરોમાં ખુશી ફેલાઈ છે. જ્યારે ભાજપના કાર્યાલય કમલમમાં કાર્યકરો દ્વારા ઉજવણી શરૂ કરવામાં આવી હતી.
ગુજરાત વિધાનસભાની 182 બેઠકો માટે અત્યારે મતગણતરી ચાલી રહી છે. પ્રાથમિક વલણમાં ભાજપના 134 બેઠક, કોંગ્રેસ 40, આપ 5 અને અપક્ષ 3 ઉમેદવારો આગળ રહ્યાં હતા. ભાવનગર પશ્વિમ બેઠક પર જીતુ વાઘાણી પાછળ જોવા મળી રહ્યા છે. જ્યારે આમ આદમી પાર્ટી આ બેઠક પર શરૂઆતી વલણમાં જોવા મળી રહી છે. બનાસકાંઠાની હાઈ પ્રોફાઈલ બેઠક થરાદ પર ભાજપના શંકરસિંહ ચૌધરી આગળ જોવા મળી રહ્યા છે. જ્યારે કોંગી ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત પાછળ જોવા મળ્યા છે
સૌરાષ્ટ્ર-કચ્છમાં ભાજપ 41, કોંગ્રેસ 9, આમ આદમી પાર્ટી 3 અને અપક્ષ એક ઉપર આગળ છે. આવી જ રીતે દક્ષિણ ગુજરાતમાં ભાજપ 27, કોંગ્રેસ 4, આપ 2 અને અન્ય 1 બેઠક ઉપર આગળ છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં ભાજપ 22, કોંગ્રેસ 7, આપ 1 અને અપક્ષ 2 ઉપર આગળ છે. તેમજ મધ્ય ગુજરાતમાં 47 બેઠક ઉપર ભાજપ, કોંગ્રેસ 12 તથા આપ અને અપક્ષ એક-એક બેઠક ઉપર આગળ છે.