ગુજરાત ચૂંટણી 2022: વિજય રુપાણી, સી.આર.પાટીલ અને અર્જુન મોઢવાડિયા સહિતના આગેવાનોએ કર્યું મતદાન
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની 89 બેઠકો ઉપર સવારે કલાકથી પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થયું હતું. દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, સિનિયર નેતા વજુભાઈ વાળા, ગૃહમંત્રી હર્ષ સંઘવી, ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ, કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયા સહિતના રાજકીય આગેવાનોએ વહેલા મતદાન કર્યું હતું. એટલું જ નહીં તેમણે મતદારોને વધારેમાં વધારે મતદાન કરવા અપીલ કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ રાજકોટમાં મતદાન કર્યું હતું. દરમિયાન રાજકોટના ધોરાજીમાં કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ આદર્શ સ્કૂલમાં મતદાન કર્યું હતું. આ પ્રસંગ્રે લલિત વસોયાએ જણાવ્યું હતું કે, ધોરાજી અને ઉપલેટામાં લગભગ 65 ટકાથી વધારે મતદાન થશે, તેમણે મતદારોને વધારેમાં વધારે મતદાન કરવા અપીલ કરી હતી. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ નિમા આચાર્યએ પરિવાર સાથે ભુજમાં મતદાન કર્યું હતું. પોરબંદરમાં ભાજપના ઉમેદવાર બાબુ બોખીરિયાએ રુપાળીબા કન્યા શાળામાં પરિવાર સાથે મતદાન કર્યું હતું.
ભરૂચના ઝઘડિયામાં અપક્ષ ઉમેદવાર છોટુ વસાવાએ ધારોલી ખાતે મતદાન કર્યું હતું. કોંગ્રેસના પૂર્વ સિનિયર નેતા અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલે અંકલેશ્વરમાં મતદાન કર્યું હતું. પોરબંદરમાં કોંગ્રેસના ઉમેદવાર અને સિનિયર નેતા અર્જુન મોઢવાડિયા, કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ સુરતમાં, રાજકોટના ગોંડલમાં ભાજપના ઉમેદવાર ગીતાબા જાડેજાએ મતદાન કર્યું હતું. ગૃહમંત્રી હર્ષ સંધવીએ સુરતમાં, વલસાડમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ, મોરબીમાં ભાજપના ઉમેદવાર કાંતિ અમૃતિયા, રાજકોટ પશ્ચિમ બેઠકમાં ભાજપના ઉમેદવાર દર્શિતા શાહ, ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે સુરતમાં, રાજકોટ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર ઈન્દ્રશીલ રાજ્યગુરુ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને તેમના પત્ની અંજલી રૂપાણીએ રાજકોટમાં મતદાન કર્યું હતું. આ ઉપરાંત જામનગર ઉત્તર બેઠકના ભાજપના ઉમેદવાર રિવાબા જાડેજાએ રાજકોટમાં મતદાન કર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં કુલ 2.39 કરોડ મતદારો મતદાન કરશે. તેમજ કુલ 788 ઉમેદવારોમાંથી 70 મહિલા અને 718 પુરૂષ ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરશે.