Site icon Revoi.in

ગુજરાત ચૂંટણીઃ સુરતના મેયર અને રાજકોટમાં આપના નેતા સાઈકલ લઈને મતદાન કરવા પહોંચ્યા

Social Share

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની 89 બેઠકો ઉપર પ્રથમ તબક્કાનુ મતદાન હાલ ચાલી રહ્યું છે. દરમિયાન દક્ષિણ ગુજરાતના સુરતમાં મેયર સાઈકલ લઈને મતદાન કરવા માટે મતદાન મથક પહોંચ્યાં હતા. જ્યારે રાજકોટમાં આમ આદમી પાર્ટીના નેતા મોંઘવારીના વિરોધમાં સાઈકલ લઈને મતદાન મથક પહોંચ્યાં હતા. એટલું જ નહીં તેઓ સાઈકલની પાછળ ગેસનો બાટલો અને તેલનો ડબ્બો લઈને ગયા હતા. જ્યારે રાજકોટમાં માલધારી સમાજના આગેવાન અને કોંગ્રેસના નેતા અનોખી રીતે મતદાન કરવા પહોંચ્યાં હતા. અમરેલીમાં ભાજપના નેતા સુરેશ પાનસૂરિયા સાફો બાંધીને ઢોલ-નગારા સાથે મતદાન મથક પહોંચ્યાં હતા.

સુત્રોના જણાવ્યા અનુસાર રાજકોટમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર દિનેશ જોષી અનોખી રીતે મોંઘવારીનો વિરોધ કરવાની સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. આપના નેતા સાઈકલ ઉપર ગેસનો બાટલો અને તેલનો ડબ્બો લઈને મતદાન પહોંચ્યાં હતા. તેમજને જોઈને મતદારો પણ ચોંકી ઉઠ્યાં હતા. રાજકોટમાં માલધારી સમાજના અગ્રણી અને કોંગ્રેસના નેતા રણજીત મુંઘવા વિરોધ સાથે અનોખી રીતે મતદાન કરવા પહોંચ્યા હતા.

સુરતમાં મેયર સાઈકલ પર મતદાન કરવા માટે નિકળ્યા હતા. ‘છે આ સૌની જવાબદારી, મત આપે સૌ નર નારી’ ના સૂત્ર સાથે લોકોને વધુમાં વધુ મતદાન કરવા માટે તેમણે અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, લોકો સહપરિવાર પોતાના બુથ પર જઈને મતાધિકારનો ઉપયોગ કરે. દરમિયાન પ્રથમ તબક્કાના મતદાનને લઈ ભરૂચમાં મતદારોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ભરૂચમાં સવારથી જ મતદારોની લાંબી કતારો લાગી છે, તો વરિષ્ઠ નાગરિકો પણ મતદાન મથક પર પહોંચ્યા હતા. અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં લોકશાહી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ભાજપના ઉપાધ્યક્ષ સુરેશ પાનસૂરીયા પરિવાર સાથે મતદાન કર્યુ.પાનસૂરીયા પરિવારે સાફા બાંધી ઢોલ સાથે મતદાન કેન્દ્ર પહોંચ્યા હતા. લોકશાહીના પર્વને મતદાન કરીને ઉજવણી કરવાનું આહ્વાન કર્યું હતું.