અમદાવાદ : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી અને લોકસભાની ચૂંટણીને પણ હવે વધારે સમય રહ્યો નથી. દરેક પાર્ટી અત્યારે પોતાનું દમખમ બતાવી રહી છે અને આ બે મહત્વની ચૂંટણીને લઈને રણનીતિઓ પણ બનાવવા લાગી છે ત્યારે કોંગ્રેસની જવાબદાર પ્રિયંકા ગાંધીએ પોતાના હાથમાં લીધી છે.
જાણકારી અનુસાર કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ગુજરાત કોંગ્રેસે પ્રિયંકા ગાંધી વાડ્રાને ચૂંટણી પ્રચાર કરવા માટે આમંત્રણ આપ્યું છે. ગુજરાતમાં મહિલા સંમેલનમાં પ્રિયંકા ગાંધી હાજર રહેશે. રાહુલ ગાંધી ભારત જોડો યાત્રામાં વ્યસ્ત હોવાથી ગુજરાત ચૂંટણી પ્રચારની કમાન સંભાળશે. રાહુલ ગાંધી પણ યાત્રા વચ્ચે બ્રેક કરી ગુજરાત રેલીઓ અને જનસભા સંબોધશે.
કોંગ્રેસ નેતા જયરામ રમેશ જણાવ્યુ હતુ કે, કોંગ્રેસ માટે યાત્રા સંજીવની સાબિત થશે, ગાંધીજીએ 80 વર્ષ પહેલા ભારત છોડોનો નારો આપ્યો હતો અને હવે કોંગ્રેસ ‘ભારત જોડો યાત્રા’ લઈને નીકળ્યું છે. ત્યારે ભારત છોડોમાં ના જોડાયેલ લોકો આજે ભારત જોડો વિશે અપ્રચાર કરી રહ્યા છે. રાજનીતિના ઇતિહાસમાં ક્યારેય ન યોજાઇ હોય એટલી લાંબી યાત્રા લઈને રાહુલ ગાંધી નીકળ્યા છે, ત્યારે ભાજપમાં તેની વિપરીત અસર જોવાની શરૂઆત થઈ ગઈ છે.
જયરામ રમેશે જણાવ્યુ કે, કન્યાકુમારીથી કશ્મીર સુધી રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં ભારત જોડો યાત્રા નીકળી છે, જે 17માં દિવસે 340 કિલોમીટરનું અંતર કાપી આગળ વધી રહી છે. સાડા પાંચ મહિનામાં આ યાત્રા 3570 કિમીનું અંતર કાપનાર છે, ત્યારે યાત્રા વિશે અનેક દુષ્પ્રચાર કરાઈ રહ્યો છે. વિપક્ષી પાર્ટીઓના દુષ્પ્રચાર વચ્ચે યાત્રાને લઈ જાગરૂકતા લાવવા પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસના મહામંત્રી જયરામ રમેશ અમદાવાદ પહોંચ્યા છે. તેમણે યાત્રા અંગે વાતચીત કરતા જણાવ્યું કે, રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં ભારત જોડો યાત્રાને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. યાત્રામાં રોજ સવારે 6થી 11 સુધી 5000 જેટલા યાત્રીઓ જોડાઈ રહ્યા છે. જ્યારે સાંજે રોજ યાત્રામાં 30 હજાર કરતાં પણ વધારે લોકો જોડાઈ એને સમર્થન આપી રહ્યા છે.