અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંગે ચૂંટણીપંચ દ્વારા આજે સત્તાવાર જાહેરાત કરી હતી. ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાશે અને 8મી ડિસેમ્બરના રોજ હિમાચલપ્રદેશ સાથે જ મતગણતરી હાથ ધરવામાં આવશે. જો કે, વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય પક્ષો ગુનાહિત ઈતિહાસ ઘરાવતા નેતાની ઉમેદવાર તરીકે જાહેર કરશે તો જે તે રાજકીય પક્ષે કેમ તેમની પસંદગી કરી તે જાહેર કરવાનું રહેશે.
ગુજરાત વિધાનસભાની લઈને ભાજપ-કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ અગાઉથી તૈયારીઓ શરૂ કરી દીધી હતી. તેમજ આમ આદમી પાર્ટી એટલે કે આપ દ્વારા તમામ બેઠકો ઉપર ઉમેદવાર જાહેર કરશે. જેથી આ વખતે ચૂંટણીપંચમાં ત્રિપાંખીયો જંગ જામવાની શકયતા છે. જો કે, ઉમેદવારોની પસંદગીને લઈને ચૂંટણીપંચ દ્વારા કેટલાક પગલા લેવામાં આવ્યાં છે. રાજકીયપક્ષોના ઉમેદવાર ઉમેદવારી ફોર્મ ભરતી વખતે જમા કરાવેલુ એફિડેવીટ મતદારો જોઈ શકશે. તેમજ જો કોઈ રાજકીય પક્ષ ગુનાહિત ઈતિહાસ ધરાવતા નેતાની પસંદગી કરવા અંગે રાજકીય પક્ષે જાહેર કરવાનું રહેશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે તા. 1 ડિસેમ્બર અને 5મી ડિસેમ્બર એમ બે તબક્કામાં મતદાન કરવામાં આવશે. પ્રથમ તબક્કાને લઈને 5મી નવેમ્બરના રોજ જાહેરનામુ બહાર પાડવામાં આવશે. 14મી નવેમ્બર સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકેશે, 17મી નવેમ્બર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. આવી જ રીતે બીજા તબક્કાના મતદાન માટે 10મી નવેમ્બરના રોજ જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવશે. 17મી નવેમ્બરના રોજ ઉમેદવારી ફોર્મ ભરી શકાશે અને 21મી નવેમ્બર સુધીમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચી શકાશે. મતદાનને લઈને ચૂંટણીપંચ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. તેમજ મતદારોને વધારેમાં વધારે મતદાન કરવા માટે ચૂંટણીપંચે અપીલ કરી હતી.