ગુજરાત ઈલેક્શન : 80 વર્ષથી વધુ વયના મતદારો ઘરે બેઠા મતદાન કરી શકશે
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે.જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે યોજાશે. જયારે મતગણતરી 8 ડિસેમ્બરે થશે.ગુજરાતમાં બે તબક્કામાં 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે મતદાન થશે. હિમાચલ પ્રદેશની સાથે ગુજરાતનું પણ પરિણામ 8મી ડિસેમ્બરે જાહેર થશે.ત્યારે હવે ચૂંટણીમાં ઘરેથી મતદાન કરવા આ વખતે વૃદ્ધો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.એટલે કે આ વર્ષની ચૂંટણીમાં 80 વર્ષથી વધુ વયના લોકો ઘરેથી જ મતદાન કરી શકશે.
અમદાવાદમાં 100 વર્ષના સૌથી વધુ 1500 જેટલા મતદારો ઘરેથી મતદાન કરનારાઓમાં સામેલ છે. હાલમાં 80 વર્ષથી વધુ વયના 1.31 લાખથી વધુ મતદારો અમદાવાદમાં છે. એમાંય શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં 100 વર્ષના સૌથી વધુ મતદારો ઉપલબ્ધ છે.
શહેરમાં 100 વર્ષના સૌથી વધુ મતદારો એલિસબ્રિજ વિધાનસભામાં 218તો સૌથી ઓછા નિકોલ વિધાનસભામાં 36 છે.જ્યારે નારણપુરામાં 128, વેજલપુરમાં 105, ધંધુકામાં 100 અને ઘાટલોડિયામાં 97 મતદારો નોંધાયા છે. આ સિવાય સાબરમતીમાં 73, બાપુનગરમાં 66, મણીનગરમાં 69, દસક્રોઇમાં 60 મતદારો, નરોડામાં 61 અને વટવામાં 50 મતદારો નોંધાયા છે. ચૂંટણી વિભાગ દ્વારા આવા મતદારોના ઘરે જઈ રૂબરૂ સંપર્ક કરવામાં આવી રહ્યો છે.