Site icon Revoi.in

ગુજરાત ચૂંટણી: પ્રથમ તબક્કાની 89 બેઠકો ઉપર 1362 નેતાઓએ ઉમેદવારી નોંધાવી, ચૂંટણીપંચે 999 ફોર્મ માન્ય રાખ્યાં

Social Share

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ વધારે તેજ બન્યો છે, પ્રથમ તબક્કામાં 89 બેઠકો માટે તા. 1લી ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે. આ માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીમાં વિવિદ રાજકીય પક્ષોના કુલ 1362 ઉમેદવારી ફોર્મ ભરાયાં હતા. જે પૈકી ચૂંટણીપંચ દ્વારા લગભગ 999 ફોર્મ માન્ય રાખવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે.

સુત્રોના જણાવ્યા અનુસાર કચ્છની વિધાનસભાની છ બેઠકો ઉપર 72 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. આવી જ રીતે સુરેન્દ્રનગરની પાંચ બેઠકો માટે 80, મોરબીની 3 બેઠકો માટે 50, જામનગરની 5 બેઠકો માટે 73, દેવભૂમિ દ્વારકાની બે બેઠકો માટે 28, રાજકોટની 8 બેઠકો માટે 81, પોરબંદરની બે બેઠકો માટે 27, જૂનાગઢની 5 માટે 43, ગીર સોમનાથની 4 બેઠકો માટે 39, અમરેલીની 5 બેઠકો માટે 60, ભાવનગરની 7 બેઠકો માટે 84, બોટાદની 2 બેઠકો માટે 26, નર્મદાની 2 બેઠકો માટે 13, ભરૂચની 5 બેઠક માટે 41, સુરતની 16 માટે 197, તાપીની 2 માટે 16, ડાંગની એક બેઠક માટે 7, નવસારીની 4 બેઠક માટે 24 અને વલસાડની 5 માટે 38 ઉમેદવારોએ ફોર્મ ભર્યાં છે.

પ્રથમ તબક્કા માટે સૌથી વધારે ઉમેદવારી ફોર્મ સુરતની 16 બેઠકો ઉપર 197 ભરાયાં છે જ્યારે ડાંગમાં એક બેઠક માટે સૌથી ઓછા સાત ફોર્મ ભરાયાં છે. આ વખતે ભાજપ-કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટીએ પણ પોતાના ઉમેદવારો ઉભા રાખ્યાં છે. આ ઉપરાંત બસપા, સપા સહિતના પક્ષોના નેતાઓએ પણ વિવિધ બેઠકો ઉપર ઉમેદવારી નોંધાવી છે, પરંતુ આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે જ ખરાખરીનો જંગ જામવાની શકયતા છે. વિધાનસભાની ચૂંટણીના આ ત્રિપાંખીયા જંગ ઉપર તમામની નજર મંડાયેલી છે.