અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો ઉપર થયેલા ઓછા મતદાનને પગલે ઉમેદવારો અને રાજકીય પક્ષોના નેતાઓમાં ગભરાહટ ફેલાયો છે અને મતદારોએ કોની તરફેણમાં મતદાન કર્યું છે તેને લઈને અસમંજસ ભરી સ્થિતિમાં મુકાયાં છે. મતદારોનું મન પારખી શકવામાં નિષ્ફળ રહેલા રાજકીય નેતાઓમાં બીજા તબક્કાની 93 બેઠક ઉપર જંગી મતદાન થાય તે માટે બેઠકોનો દોર શરૂ થયો છે. ગત મોડી રાતે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સુરતથી ગાંધીનગર દોડી આવ્યાં હતા. એટલું જ નહીં રાજભવન ખાતે રોકાણકરનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા અન્ય ટોચના નેતાઓ સાથે ચર્ચા કરી હતી.
સુત્રોના જણાવ્યા અનુસાર સી.આર.પાટીલે મધ્ય અને ઉત્તર ગુજરાતની પરિસ્થિતિની સમીક્ષા કરવા કમલમ ખાતે ભાજપના નેતાઓની બેઠક બોલાવી હતી. તેમાં ખાસ કરીને પેઇજ પ્રમુખની વ્યવસ્થા કેમ અસરકારક થતી નથી તે અંગે પ્રશ્ર્ન પૂછાયો હતો. નીચા મતદાનને પગલે ભાજપને નર્વસ નાઇન્ટીનની બહાર કાઢવાની ચિંતા વધી ગઇ છે. દરેક 93 મત વિસ્તારમાં ફરી એક વખત પેઇજ પ્રમુખ વ્યવસ્થાને પક્ષ દ્વારા વધુ અસરકારક બનાવવાના ઉપાયો કરવામાં આવશે. 93 બેઠકોમાં વડોદરા સહિતના જિલ્લાઓમાં સૌથી વધુ ભાજપના બળવાખોરો મેદાનમાં છે અને તેથી જ બળવાખોરો ઓછા મતદાનમાં વધુ ડેમેજ કરી શકે તે પણ શક્યતા નકારાતી નથી અને તેથી જ ભાજપની પૂરી મશીનરીને આજથી આ 93 બેઠકો પર કેન્દ્રીત થઇ જવા આદેશ અપાયા છે.
કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓમાં પણ ઓછા મતદાનને પગલે ચિંતામાં વધારો થયો છે. તેમજ બંને પાર્ટીના નેતાઓએ કાર્યકરોને બીજા તબક્કાની 93 બેઠકો ઉપર વધારેમાં વધારે મતદાન થાય તે માટે કામગીરી કરવા માટે સુચના આપી છે.