ગુજરાત ઇલેકટ્રીક વ્હીકલ પોલિસીઃ આગામી વર્ષોમાં 528 જેટલા ચાર્જીંગ સ્ટેશનનું નેટવર્ક ઊભું કરાશે
અમદાવાદઃ ગુજરાત દેશના ઓટોમોબાઇલ હબ તરીકે ખ્યાતિ પ્રાપ્ત રાજ્ય છે. હવે, પર્યાવરણ પ્રિય વાહન વ્યવહારમાં સિમાચિન્હ રૂપ ઇલેકટ્રીક વ્હીકલ હબ પણ ગુજરાત આગામી વર્ષોમાં બનશે. તેવો આશાવાદ વ્યક્ત કરીને મુખ્યમંત્રી વિજય રૂપાણી ગુજરાત ઇલેકટ્રીક વ્હીકલ પોલિસી-2021ની જાહેરાત કરી છે. તેમજ રાજ્ય સરકાર ઇલેકટ્રીક વાહનોની ખરીદી માટે વાહનના કિલોવોટ દિઠ રૂ. 10 હજારની સબસિડી આપશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, આ નીતિ-પોલિસી દ્વારા ઇ-વ્હીકલની નવી ટેકનોલોજીને પ્રોત્સાહન મળશે તથા ઇ-વ્હીકલના ડ્રાઇવીંગ, વેચાણ, ધિરાણ, સર્વિસીંગ અને ચાર્જિંગ વગેરે ક્ષેત્રોમાં રોજગારીની તકોમાં વૃદ્ધિ થશે. રાજ્ય સરકારે કાળજીપૂર્વકની વિચારણા તેમજ ઇલેકટ્રીક વ્હીકલ ક્ષેત્રના વિવિધ નિષ્ણાતોના અભિપ્રાયો અને સહાયથી ટેકનોલોજી, ઉત્પાદન પ્રક્રિયા તેમજ ઇ-વ્હીકલ સંબંધિત પરિબળો તથા ભારત સરકારની નીતિઓને ધ્યાનમાં લઇને ગુજરાતની આ ઇ-વ્હીકલ પોલિસી ઘડવામાં આવી છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, ગુજરાત ઇલેકટ્રીક વ્હીકલ પોલિસીમાં મુખ્યત્વે ચાર બાબતો પર વિશેષ ઝોક આપવામાં આવેલો છે. રાજ્યમાં ઇલેકટ્રીક વ્હીકલનો ઉપયોગ વધારવો, રાજ્યને ઇ-વ્હીકલ અને તેને આનુષાંગિક સાધન-સામગ્રીના ઉત્પાદનનું મેન્યૂફેકચરીંગ હબ બનાવવું તેમજ ઇલેકટ્રીક મોબીલીટી ક્ષેત્રે યુવા સ્ટાર્ટઅપ અને રોકાણકારોને પ્રોત્સાહિત કરવા સાથોસાથ વાહનોના ઇંધણના ધૂમાડાથી થતા વાયુ-ધ્વનિ પ્રદૂષણને ઘટાડી પર્યાવરણની રક્ષા કરવી એવા બહુવિધ ધ્યેય આ પોલિસીના છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, આવનારા ચાર વર્ષમાં આ નીતિ અંતર્ગત બે લાખ ઇલેકટ્રીક વાહનો રાજ્યના માર્ગો પર આવશે તેવી સ્પષ્ટ ધારણા સાથે લક્ષ્ય નિર્ધારીત કરવામાં આવ્યો છે. 1.10 લાખ ટૂ વ્હીલર, 70 હજાર થ્રી વ્હીલર અને 20 હજાર જેટલા ફોર વ્હીલર આગામી 4 વર્ષોમાં રાજ્યમાં આવશે તેવો અંદાજ છે.
આવા વાહનોનો પ્રતિ કિલોમીટરનો વપરાશ ખર્ચ અન્ય વાહનો કરતાં એવરેજ 30 થી 50 ટકા ઓછો આવે છે તેમજ વાયુ પ્રદૂષણમાં પણ નોંધપાત્ર ઘટાડો થાય છે. એટલે કે આશરે રૂ. 5 કરોડના ઇંધણ બચત સાથે 6 લાખ ટન જેટલું કાર્બન ઉત્સર્જન ઘટશે તેવો અંદાજ રાખવામાં આવ્યો છે. તેમજ રાજ્ય સરકાર ઇલેકટ્રીક વાહનોની ખરીદી માટે વાહનના કિલોવોટ દિઠ રૂ. 10 હજારની સબસિડી આપશે. જેના પરિણામે ચાર વર્ષમાં રાજ્ય સરકાર રૂ. 870 કરોડનો બોજ વહન કરશે.
રાજ્યમાં ઇલેકટ્રીક ટુ વ્હીલર ખરીદનાર વ્યક્તિને રૂ. 20 હજાર, થ્રી વ્હીલર માટે 50 હજાર અને ફોર વ્હીલર માટે રૂ. 1.50 લાખ સુધીનું પ્રોત્સાહન અપાશે. આવી સબસિડી માટે પ્રાયવેટ કે કોમર્શીયલ વાહન કોઇ પણ વાહનનો પ્રકાર ધ્યાનમાં લીધા સિવાય અને ગુજરાતના આર.ટી.ઓ. દ્વારા પાસ થયેલા વાહનોને મોટર નોંધણી ફીમાંથી 100 ટકા મુક્તિ આપવામાં આવશે.
મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું હતું કે, ભારત સરકારની ઇલેકટ્રીક વ્હીકલ પ્રોત્સાહન યોજના (ફ્રેમ-ર) અન્વયે રાજ્યમાં 278 જેટલા ચાર્જીંગ સ્ટેશન મંજૂર થયેલા છે. રાજ્ય સરકાર આ ઉપરાંત વધુ 250 ચાર્જીંગ સ્ટેશન ઊભા કરવા રૂ. 10 લાખની મર્યાદામાં 25 ટકા જેટલી કેપિટલ સબસિડી પૂરી પાડશે. આમ, આગામી વર્ષોમાં સમગ્ર રાજ્યમાં 528 જેટલા ચાર્જીંગ સ્ટેશનનું નેટવર્ક ઊભું થશે.