Site icon Revoi.in

ગુજરાત: ધો. 1થી અંગ્રેજી વિષય દાખલ કરાશે, ભગવત ગીતા પણ ધો-6થી ભણાવાશે

Social Share

ગાંધીનગરઃ ગુજરાતના વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય કક્ષાએ સ્પર્ધાત્મક પરીક્ષામાં અંગ્રેજીને લીધે ડર અનુભવતા હોય છે. વિદ્યાર્થીઓ અંગ્રેજી વિષયમાં કડકડાટ બોલતા થાય તે માટે હવે શાળા કક્ષાએ જ અંગ્રેજી વિષય ભણાવવાનો સરકારે નિર્યણ લીધો છે. ગુજરાત વિધાનસભામાં શિક્ષણ વિભાગની વર્ષ 2022-23ની માંગણીઓ પરની ચર્ચા માટે શિક્ષણમંત્રી અંદાજપત્રીય પ્રવચન આપ્યું હતું. શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે, આગામી સમયમાં ધોરણ 1 અને 2માં અંગ્રેજી વિષય દાખલ કરવામાં આવશે. જેનો આગામી શૈક્ષણિક વર્ષથી અમલ કરાશે. જ્યારે ધો.6થી ગણિત-વિજ્ઞાનનાં પાઠ્ય પુસ્તકનો અમલ કરવા વિચારણા કરવામાં આવી છે.

રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાધાણીએ વિધાનસભા ગૃહમાં માહિતી આપતા જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદી તાજેતરમાં ગુજરાતના પ્રવાસે હતા ત્યારે રાજ્યની શાળાઓના જન્મ દિવસની ઊજવણી કરવાનું સુચન કર્યું હતું. જેની અમલવારી કરવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નિર્ણય કર્યો છે.અને શિક્ષણ વિભાગને સૂચના આપી છે.ત્યારે આગામી સમયમાં રાજ્યની શાળાઓના જન્મ દિવસની ઊજવણી કરાશે. રાજ્યની સરકારી શાળાઓમાં પહેલા અને બીજા ધોરણમાં અંગ્રેજી વિષય દાખલ કરવામાં આવશે. ગુજરાતી વિષય ફરજિયાત છે અને રહેશે, પરંતુ અંગ્રેજી વિષય પણ દાખલ કરવામાં આવશે. આગામી શૈક્ષણિક સત્ર 2023 થી જ તેની અમલવારી થશે. આ માટે વિદ્યાર્થીને કોઈ પાઠ્યપુસ્તક નહિ હોય. માત્ર શિક્ષણ શ્રવણ અને કથન દ્વારા વિદ્યાર્થીઓને અંગ્રેજી શીખવાડવામાં આવશે. ધોરણ 3 થી અંગ્રેજી વિષયનું પાઠ્યપુસ્તક હશે.

ગૃહમાં શિક્ષણ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ભગવત ગીતાના સિદ્ધાંતો માટેની તૈયારીઓ નવી શિક્ષણ પોલિસીમાં કરવામાં આવી છે. ભગવત ગીતાનો પરિચય હવે નવા અભ્યાસ ક્રમમાં દાખલ કરવામાં આવશે. ભગવત ગીતાના અલગ અલગ ભાગ ભણાવવામાં આવશે. ભગવત ગીતાના શ્લોકો, વકતૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા યોજવામાં આવશે. પ્રથમ તબક્કે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પરિચય થાય એ હેતુથી શાળાના અભ્યાસક્રમમાં દાખલ કરવામાં આવશે. જેમાં શૈક્ષણિક વર્ષ 2022-23થી શાળા શિક્ષણમાં ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાનપ્રણાલીનો સમાવેશ કરવાનો રહેશે . જે પૈકી પ્રથમ તબક્કામાં રાજ્યની શાળાઓમાં ધોરણ -6 થી 12 માં શ્રીમદ્ ભગવદ્ ગીતામાં સમાવિષ્ટ મૂલ્યો અને સિદ્ધાંતોનો બાળકોને સમજ અને રસ પડે તે પ્રમાણે પરિચય કરાવવામાં આવશે. તેમજ ધોરણ 6 થી 8 માં શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પરિચય સર્વાંગી શિક્ષણ વિષયના પાઠ્યપુસ્તકમાં વાર્તા અને પઠન – પાઠન વગેરે સ્વરૂપે આપવામાં આવશે.

શિક્ષણ મંત્રી ગૃહમાં જાહેરાત કરતા પહેલા કહ્યુ હતું કે, શિક્ષણ વિભાગનું બજેટ વધાર્યું છે. ભવિષ્યની પેઢી તૈયાર કરવા માટેની કામગીરી શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવે છે. 22 ગણું વધારાનું બજેટ રાજ્ય સરકારે આ વખતે શિક્ષણ વિભાગમા જાહેર કરાયું છે. કેશુભાઈથી શરૂ થયેલી ભુપેન્દ્ર ભાઈ સુધીની સરકારમાં શિક્ષણને વેગ મળ્યો છે. પહેલા વિપક્ષે પણ કર્યું હશે. જેને તાયફા કહેવાતા હતા, તેમાં હવે વાલીઓ દીકરીને સ્કૂલે મોકલે છે. વોટબેંકની રાજનીતિ નથી. નરેન્દ્ર મોદીએ દીકરીઓને ભણાવવાની ભીખ પણ માંગી હતી.અહીંયા પણ હાથ ઊંચા કારાવીએ તો ખબર પડે કે કેટલા 8 ધોરણ સુધી ભણ્યા છે. શિક્ષકો, ઓરડાની ઘટની વિપક્ષે વાત કરી છે.

વિધાનસભા ગૃહમાં શિક્ષણ વિભાગની માંગણી પરની ચર્ચા દરિમયાન કૉંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દિન શેખે જણાવ્યું હતું કે શિક્ષકોને રાજકીય કાર્યક્રમોમાંથી મુક્તિ આપો, સરકારી શાળાઓના મામલે દિલ્હીના આપ મોડેલને ગુજરાત સરકારે અનુસરવું જોઈએ. ધારાસભ્યોના એક વર્ષના પગાર જમા લઈ લો પણ શાળાઓ અને શિક્ષણને સુધારો.કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે વિધાનસભામાં જણાવ્યું હતું કે, શિક્ષણના મામલે ભાજપ અને કોંગ્રેસ ભૂલીને ભવિષ્યની પેઢીની ચર્ચા કરવી જોઈએ, શિક્ષકોને બિન શૈક્ષણિક કામ આપવાનું બંધ કરો.શ્રેષ્ઠ શિક્ષકના એવોર્ડમાં પણ સરકારની વાહ વાહ કરનારાને જ મળે છે.