અમદાવાદઃ રાજ્યભરમાં શિયાળાની વિદાય અને ઉનાળાના આગમનની તૈયારી છે, ત્યારે બેવડી ઋુતુનો અહેસાસ થઈ રહ્યો છે. જેથી દિવસ અને રાત્રિના તાપમાનમાં દરરોજ એકથી પાંચ ડિગ્રી સુધીનો વધારો ઘટાડો થતાં વાઈરલ ઈન્ફેક્શનના કેસ વધી રહ્યાં છે. બપોર દરમિયાન સામાન્ય ગરમી અને રાત્રિના સમયે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. વહેલી પરોઢે પણ ગુલાબી ઠંડીનો અનુભવ થાય છે. જેથી હાલમા ડબલ સિઝન અનુભવાઈ રહી છે. જોકે હવે બે ત્રણ દિવસમાં ગરમીમાં થોડો વધારો થવાની શક્યતા છે.
રાજ્યમાં બપોરે ગરમી અને રાત્રે ઠંડી એમ બે ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. સાથે ધીમા પગલે ગરમીનું આગમન થઈ રહ્યું છે. જોકે બે ઋતુના કારણે વાઈરલ ઈન્ફેક્શનના કેસમાં વધારો થયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 48 કલાક વાતાવરણની આ સ્થિતિ યથાવત રહી શકે છે. ત્યાર બાદ ઠંડી 2 થી 3 ડિગ્રી ઘટવાની સંભાવના છે. દરમિયાન હવામાન નિષ્ણાંતોના કહેવા મુજબ હજુ પણ ઉપરાઉપરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાના લીધે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા કમસોમી વરસાદ કે કરા પડવાની ગતિવિધિ થતી જ રહેશે. તા. 14થી 17 ફેબ્રુઆરીમાં પણ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા તેમજ કમોસમી વરસાદની શક્યતાઓ રહેશે. જેના લીધે ગુજરાત સૌરાષ્ટ્રના ભાગોમાં સવારના સમયે ઠંડી રહેશે અને ઝાંકળ પણ પડી શકે છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુતમ તાપમાન હજુ પણ 11 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતાઓ છે.
અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો હવે ઘટી ગયા છે. પરંતુ શહેરમાં અન્ય રોગચાળો ખૂબ જ વધ્યો છે. પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોમાં વધારો નોંધાયો છે. જેના કારણે ઘરે-ઘરે આવે તાવ અને ઝાડા ઊલટીના કેસોમાં વધારો થયો હોવાનું જાણવા મળ્યું છે. અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગો એવા ઝાડા-ઊલટી, કમળો, ટાઈફોઈડના 10000થી વધુ દર્દીઓ અને મચ્છરજન્ય રોગો એવા ચિકનગુનિયા, ડેન્ગ્યુ, મેલેરિયાના 25000થી વધુ દર્દીઓ હોવાનું બિનસત્તાવાર રીતે મ્યુનિસિપલ કોર્પોરેશનના સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.