ગુજરાતઃ ભારે પવન અને વરસાદને પગલે ખેતરમાં ઉભા થયેલા પાકને નુકશાન અંગે સર્વેની ખેડૂતોની માંગણી
અમદાવાદઃ ગુજરાતમાં ચાલુ વર્ષે સારા વરસાદ વરસ્યો છે જેથી અનેક નદીઓ બે કાંઠે વહેતી થઈ હતી. દરમિયાન ભારે વરસાદને કારણે ખેતરોમાં વરસાદી પાણી ફરી વળતા રાજકોટ, બનાસકાંઠાના લાખણી અને સુરેન્દ્રનગરના વઢવાણના ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. દરમિયાન ખેડૂતોએ સર્વે કરીને વળતર ચુકવવાની માંગણી કરી છે.
સુત્રોના જણાવ્યા અનુસાર ભારે વરસાદના પગલે અમરેલીના લિલિયા ગામ નજીક શેત્રુંજી અને ગાગાડીયા નદી ગાંડીતૂર બની હતી. રાજકોટમાં 1000 વિધા જમીનમાં વરસાદી પાણી ફરી વળ્યાં હતા. આ ઉપરાંત બનાસકાંઠાના લાખણીમાં 1300 હેકટરમાં ભારે પવનને કારણે બાજરીનો પાક ખરી પડ્યો છે. સુરેન્દ્રનગરના મેમકા ગામ પાસે કોઝ-વેના પાણી ફરી વળતા જુવાર, તલ, કપાસ સહિતના પાકને નુકશાન થયાનું જાણવા મળે છે. અમરેલી જિલ્લામાં ભારે વરસાદના કારણે ખેડૂતોને મોટે પાયે નુકસાન થયુ છે. લીલીયા તાલુકાના 14 ગામ, સાવરકુંડલાના 7 ગામમાં મોટાપાયે નુકસાન થયુ છે. પોતાના વિસ્તારના ખેડૂતોને થયેલા નુકસાનને કારણે સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાત પણ સક્રિય થઇ ગયા છે અને તેમને મુખ્યમંત્રીને પત્ર લખીને નુકસાનનો સર્વ કરી ખેડૂતોને સહાય આપવા માગ કરી છે.