- સ્કૂલ સંચાલકો અને વાલીઓને કર્યા નિર્દેશ
- વિદ્યાર્થીઓમાં કોરોનાના લક્ષણ જણાય તો તંત્રનો સંપર્ક કરવા તાકીદ
- સ્ટાફે કોરોના વેક્સિનના બંને ડોઝ લીધા છે કે નહીં તે સુનિશ્ચિત કરવા તાકીદ
અમદાવાદઃ ગુજરાતમાં ઓમિક્રોનના સંકટ વચ્ચે હવે સ્કૂલના વિદ્યાર્થીઓ પણ કોરોનાની ઝપટે ચડી રહ્યાં છે. દરમિયાન રાજ્ય સરકારે સ્કૂલોમાં વકરી રહેલા કોરોનાના સંક્રમણને લઈને ચિંતા વ્યક્ત કરી છે. તેમજ ગાઈડલાઈન જાહેર કરી છે. જો કે, સ્કૂલોને બંધ કરીને માત્ર ઓનલાઈન વર્ગો શરૂ કરવાનું હાલ સરકારનું કોઈ આયોજન નહીં હોવાનું જાણવા મળે છે. નવા નિયમ અનુસાર સ્કૂલના તમામ સ્ટાફે કોરોના વેક્સિનના બંને ડોઝ લીધા છે કે નહીં તે સુનિશ્ચિત કરવા તાકીદ કરી છે.
સરકારની નવી ગાઈડલાઈન અનુસાર વિદ્યાર્થીઓમાં કોરોનાના લક્ષણ જણાય તો તાત્કાલિક આરોગ્ય વિભાગનો સંપર્ક કરવા તાકીદ કરાઈ છે. એટલું જ નહીં આવા વિદ્યાર્થીઓની માહિતી ડીઈઓને આપવા તાકિદ કરી છે. જો લક્ષણ જણાય તો બાળકોને શાળાએ ન મોકલવા વાલીઓને તાકીદ કરવામાં આવી છે. શિક્ષણ વિભાગે દરેક શાળાઓને ઓફલાઇન શિક્ષણની સાથે ફરજિયાત ઓનલાઈન શિક્ષણ શરૂ રાખવા જણાવ્યું છે. જો કોઈ સ્કૂલમાં કોરોના પોઝિટિવનો કેસ મળી આવે તો તેને સાત દિવસ માટે બંધ કરવાની સાથે સેનેટાઈઝ કરવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતની સ્કૂલોમાં હવે કોરોનાએ પગ પેસારો કર્યો છે. દરમિયાન અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટની કેટલીક સ્કૂલમાં 18 જેટલા વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયાં છે. આ ઉપરાંત બે શિક્ષકોનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી વાલીઓમાં ભય ફેલાયો છે.