Site icon Revoi.in

ગુજરાતઃ માર્ગોના રિસરફેસીંગ કામ માટે રૂ. 509 કરોડની ફાળવણી

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસામાં ભારે વરસાદ વચ્ચે અનેક માર્ગો ધાવાયાં હતા. હાલની સ્થિતિમાં રાજ્યમાં અનેક માર્ગો બિસ્માર હાલતમાં છે. ત્યારે માર્ગોની સ્થિતિમાં સુધારો કરવા માટે પગલા ભરવામાં આવી રહ્યાં છે. દરમિયાન રાજ્ય સરકારે માર્ગોના રિસરફેસીંગ કામો માટે રૂ. 509 કરોડની ફાળવણી કરી હોવાનું જાણવા મળે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકો સુવિધાયુકત, સલામત અને સુરક્ષિત રીતે મુસાફરી કરી શકે તેવા ઉદાત્ત અભિગમથી રાજ્યના માર્ગોના રિસરફેસીંગ કામો માટે રૂ.508.64 કરોડ માર્ગ-મકાન વિભાગને ફાળવવાની મંજૂરી આપી છે. રાજ્યમાં આ વર્ષે વરસાદને કારણે અસર થયેલા 98 રસ્તાઓના કુલ 756 કિ.મી. લંબાઇમાં રિસરફેસીંગ કામો મુખ્યમંત્રીશ્રીએ માર્ગ અને મકાન વિભાગને મંજૂર કરેલી આ રકમમાંથી હાથ ધરવામાં આવશે.

રાજ્ય સરકારનો માર્ગ અને મકાન વિભાગ માર્ગોની સુવિધા વધુ સુદ્રઢ બનાવી સરળ અને સલામત યાતાયાત માટે વિવિધ જિલ્લાઓમાં વ્યાપક સ્તરે કામગીરી હાથ ધરી રહ્યો છે. તદઅનુસાર, વિવિધ જિલ્લાઓમાં હાલની સ્થિતીએ કુલ 5,790 કિ.મી લંબાઇના માર્ગોના અંદાજે રૂ.5,986 કરોડના કામો પ્રગતિમાં છે. એટલું જ નહિ, 2,763 કિ.મી લંબાઇના માર્ગો માટે રૂ.1,762 કરોડના કામો ટેન્ડરીંગ પ્રક્રિયા હેઠળ છે જે ટૂંક સમયમાં શરૂ થવાના છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના માર્ગોના નેટવર્ક અને ઇન્ફ્રાસ્ટ્રકચરને વધુ સુદ્રઢ તેમજ સંગીન કરવા માર્ગ-મકાન વિભાગને આપેલા દિશાનિર્દેશોને પગલે આ કામગીરી વેગવાન બનાવવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યના બિસ્માર માર્ગો મામલે હાઈકોર્ટે પણ સરકારને ટકાર કરી હતી. તેમજ બિસ્માર માર્ગોના કારણે વાહન ચાલકોને પણ ભારે હાલાકાની સામનો કરી રહ્યાં છે.