Site icon Revoi.in

ગુજરાતઃ 9 પાલિકામાં 73.98 MLD ક્ષમતાના STP પ્લાન્ટ માટે રૂ. 188 કરોડના કામોને મંજૂરી

Social Share

અમદાવાદઃ રાજ્યની 9 નગરપાલિકાઓમાં કુલ 73.98 MLD ક્ષમતાના અદ્યતન ટેક્નોલોજી આધારિત સ્યુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના કામો હાથ ધરવા રૂ. 188.12 કરોડના કામોને રાજ્ય સરકારે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

રાજ્યની નગરપાલિકાઓમાં સીવર નેટવર્કથી એકત્રિત થતા ઘરગથ્થુ ગંદા પાણીનો નિકાલ પર્યાવરણ મંત્રાલયના ધારાધોરણો મુજબ થાય તેમજ આવા પાણીનો રિ-યુઝ, પૂનઃ ઉપયોગ થઇ શકે તે આશયથી નગરપાલિકાઓમાં અદ્યતન ટેક્નોલોજી આધારિત STP કામો હાથ ધરવામાં આવે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જે ૯ નગરપાલિકાઓમાં અગાઉ ઘરગથ્થુ ગંદા પાણીનો નિકાલ જૂની ટેક્નોલોજી તથા ટ્રીટમેન્ટ ઓક્સીડેશન પોન્ડમાં થતો હતો તે નગરપાલિકાઓ માટે અદ્યતન STP નિર્માણના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

મુખ્યમંત્રીએ રાજ્યમાં પર્યાવરણ જાળવણીના અભિગમના ભાગરૂપે 2022-23માં આ નગરપલિકાઓમાં ગંદા પાણીના શુદ્ધિકરણ માટે અદ્યતન ટેક્નોલોજી ધરાવતા સ્યુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP) તથા તે સંપૂર્ણતઃ કાર્યરત રહે તે માટે જરૂરી સંલગ્ન આનુષાંગિક કામો માટે આ રૂ. 188.12 કરોડના કામો મંજૂર કર્યા છે.

આ 9 નગરપાલિકાઓમાં ગઢડા STP (6.3 MLD, ક્ષમતા, રૂ. 23.29 કરોડ), કઠલાલ STP (4.5 MLD ક્ષમતા, રૂ. 14.02 કરોડ), મહુધા STP (4 MLD ક્ષમતા, રૂ. 10 કરોડ), પાટડી STP (3.4 MLD ક્ષમતા, રૂ. 9.68 કરોડ), સાવરકુંડલા STP (13.40 MLD ક્ષમતા, રૂ. 30.56 કરોડ), બાયડ STP ( 5.07 MLD તથા 0.31 MLD ક્ષમતા, રૂ. 13.17 કરોડ), સિદ્ધપુર STP ( 13.50 MLD ક્ષમતા, રૂ. 48.31 કરોડ), સોજીત્રા STP (2.5 MLD ક્ષમતા, રૂ. 10.61 કરોડ) અને વલ્લભ વિદ્યાનગર STP (21 MLD ક્ષમતા, રૂ. 28.48)નો સમાવેશ થાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, નગરપાલિકાઓમાં કુલ 1497 MLD ક્ષમતાના રૂ. 1850 કરોડના 161 STP ના કામો અગાઉ મંજૂર કરવામાં આવેલા છે તેમાંથી 57 નગરપાલિકાઓમાં 720 MLD ક્ષમતાના STP ના કામો કાર્યરત છે.