1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાતઃ શિયાળામાં આવતા વિદેશી પક્ષીઓ આ વખતે ચોમાસામાં જ મહેમાન બન્યાં
ગુજરાતઃ શિયાળામાં આવતા વિદેશી પક્ષીઓ આ વખતે ચોમાસામાં જ મહેમાન બન્યાં

ગુજરાતઃ શિયાળામાં આવતા વિદેશી પક્ષીઓ આ વખતે ચોમાસામાં જ મહેમાન બન્યાં

0
Social Share

ગાંધીનગરઃ રાજ્યમાં ચોમાસાની પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. જિલ્લાના તળાવોમાં થોડુઘણું પાણી છે ત્યારે આ વખતે આ સિઝનમાં પ્રથમ વાર વિદેશી પક્ષીઓ આવી રહ્યા છે. કલોલ તાલુકાના પલસાણા ગામમાં આવેલા તળાવમાં હજારો કિલો મીટરની સફર ખેડીને આવનારા પક્ષીઓનું આગમન થયું છે. પક્ષીઓના કલરવથી ચારે બાજુનું વાતાવરણ મહેકી ઉઠ્યું છે. જ્યારે છેવાડાના ગામમાં વિદેશી પક્ષીઓનું આગમન થતાં ગ્રામજનોમાં પણ કુતૂહલ સર્જાયું છે

કલોલના પલસાણા ગામમાં આવેલા તળાવમાં વિદેશી પક્ષીઓનું આગમન થયું છે. સામાન્ય રીતે શિયાળામાં ઠંડીની શરૂઆતમાં થતાં યાયાવર પક્ષીઓ ગુજરાતનાં મહેમાન બનતા હોય છે. ત્યારે હજારો કિલોમીટરની યાત્રા કરીને યાયાવર પક્ષીઓ ગાંધીનગરના કલોલના મહેમાન બન્યા છે.

યૂરોપ, સાઈબીરીયા, ચીન અને હિમાલયની તળેટી જેવા ઠંડા પ્રદેશોમાંથી હજારો કિલોમીટરનુ અંતર કાપીને ગુજરાત અને રાજસ્થાન જેવા પ્રદેશોના તળાવોમાં આવતાં યાયાવર પક્ષીઓ પાસે કુદરતી દિશાસૂઝ હોય છે. તેમના રહેણાંક પ્રદેશમાં શિયાળાની ઋતુમાં થતી હિમવર્ષાના કારણે તેઓને ભોજન મેળવવા માટે તથા પ્રજનન કરવા માટે હજારો માઈલનુ અંતર કાપવુ પડે છે. દરવર્ષની તેમની આ ક્રિયા સહજ જણાય છે, પરંતુ તે વૈજ્ઞાનિકો માટે સંશોધનની વિષય બની ગયો હતો.

યૂરોપ અને સાઈબિરીયા જેવા ઠંડા પ્રદેશમાંથી ઉડીને ગુજરાત સુધી પહોંચી જતાં આ પક્ષીઓ ઉનાળો આવતાં જ પોતાના પ્રદેશમાં પરત ચાલ્યા જાય છે. આ પક્ષીઓને સાત સમુંદર પાર કરવા માટે દિશા કેવી રીતે મળતી હશે, તે સંશોધનનો વિષય છે. પરંતુ જાણકારોનુ માનવુ છે કે, કદાચ તેઓ મેગ્નેટીક ફિલ્ડ અથવા નેવિગેશન ફિલ્ડના લીધે દિશાસૂઝ મેળવવામાં સક્ષમ છે. જોકે, કારણ કોઈ પણ હોય યાયાવર પક્ષીઓમાં દિશા ઓળખવાની કુદરતી શક્તિ રહેલી છે અને તેથી જ તેઓ દરવર્ષે એક દેશમાંથી બીજા દેશમાં ઉડાન ભરવા માટે સક્ષમ છે.

દેશના અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાત રાજ્યમાં દરિયાઈ અને ભૂમિગત જલપ્લાવિત વિસ્તારોની વધુ સંખ્યા અને વિવિધતાના કારણે ગુજરાતમાં યાયાવર પક્ષીઓની સંખ્યા અને વિવિધતામાં ઉત્તરોત્તર વધારો જોવા મળે છે. ત્યારે હાલમાં કલોલના પલસાણામાં યાયાવર પક્ષીઓ આવી પહોંચતા ગ્રામજનો સહિત પક્ષીવિદોમાં આનંદની લાગણી છવાઈ જવા પામી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code