અમદાવાદઃ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સ્વાસ્થ્ય રક્ષા અને પોષણ માટે ફળ અને શાકભાજીના મહત્વને જાણીને લોકો વધુને વધુ તેનો ઉપયોગ કરતા થાય તે માટે લોકજાગૃતિ કેળવવા રાજભવન ખાતેથી ફળઝાડ સહિત બાગાયતી વૃક્ષોના વાવેતર અભિયાનનો મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં શુભારંભ કર્યો હતો. રાજભવનમાં વીટામીન-સીથી ભરપુર અને રોગપ્રતિકારક શક્તિ વધારનારા આમળાના વૃક્ષનું વાવેતર કર્યુ હતું. જ્યારે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કેસર આંબાનું વાવેતર કર્યુ હતું. ત્યારબાદ રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ સંયુક્ત રીતે મુખ્યમંત્રી નિવાસ સ્થાને જઇને ફળઝાડનું વાવેતર કર્યુ હતું.
સંયુક્ત રાષ્ટ્રો દ્વારા વર્ષ 2021ને ફળ અને શાકભાજી વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. જેનો મુખ્ય ઉદેશ ફળ અને શાકભાજીના વપરાશથી સ્વાસ્થ્યરક્ષા અને પોષણ દ્વારા તંદુરસ્ત જીવનશૈલી પ્રત્યે લોકજાગૃતિ કેળવવાનો છે. લોકો ઘર આંગણે તેમજ ખેતરમાં ફળઝાડના વાવેતર માટે પ્રેરાય તે ઉદેશથી રાજ્યપાલશ્રીએ ફળઝાડ અને બાગાયતી વૃક્ષોનાં વાવેતરનું આ અભિયાન શરૂ કર્યુ છે. આ અભિયાન અંતર્ગત આણંદ કૃષિ યુનિવર્સીટી દ્વારા લીંબુ, આમળા, જામફળ અને સરગવાના 400 રોપા, નવસારી કૃષિ યુનિવર્સીટી દ્વારા ચીકું અને કેળાંના ૨૦૦ રોપા, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી દ્વારા કેસર આંબાના 100 રોપા, દાંતીવાડા કૃષિ યુનિવર્સીટી દ્વારા સીતાફળના 100 રોપા, ગોધરા કેન્દ્ર દ્વારા બીલી અને જાંબુના 200 રોપા મળી કુલ 1000 રોપાનું વાવેતર કરવામાં આવ્યુ હતું. રાજયપાલજીએ ફળઝાડ અને શાકભાજી સહિત બાગાયતી વૃક્ષોના વાવેતર પ્રત્યે લોક જાગૃતિ કેળવવા મંત્રીઓને અનુરોધ પણ કર્યો હતો.