ગુજરાતઃ શેરીઓ-ફૂટપાથ પર રહેતા બાળકો-પરિવારને વિવિધ યોજનાનો લાભ પહોંચાડવા સરકારનો નિર્દેશ
અમદાવાદઃ ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ રાજ કુમારની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતેથી અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓ માટે CISS પોસ્ટ મેટ્રીક અને પ્રિ-મેટ્રીક શિષ્યવૃત્તિ યોજનાઓ અંગે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વર્ચ્યુઅલ જોડાઈને બેઠકનું યોજાઈ હતી. આ મહત્વપૂર્ણ બેઠકમાં સર્વે જિલ્લાના જિલ્લા કલેકટરઓ સહિત નર્મદા જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયા સાથે સંબંધિત વિભાગોના અધિકારીશ્રીઓ પણ જોડાયા હતા.
વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વર્ચ્યુઅલ સંવાદમાં મુખ્ય સચિવએ ભારત સરકારની અધ્યતન માર્ગદર્શિકા અંતર્ગત વિદ્યાર્થીઓના આધાર નંબર-બેંક ખાતા સાથે લિંક કરવા તથા Aadhar DBT Enable કરવાની કાર્યવાહી સત્વરે પૂર્ણ થાય, લાભાર્થીઓને શિષ્યવૃત્તિનો લાભ સમયસર અને સરળતાપૂર્વક મળી રહે તે સુનિશ્રિત કરવા અંગે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને માર્ગદર્શન પુરૂં પાડી જરૂરી સૂચનો કર્યા હતા. Children in Street Situations (CISS) અંતર્ગત બાળકો સહિત તેમના પરિવારને ગુજરાત સરકારની વિવિધ યોજનાઓનો લાભો મળી રહે તે માટે લાગુ કરાયેલી આ યોજનામાં નર્મદા જિલ્લાના કુલ-14 બાળકો નોંધાયેલા છે જેમને જિલ્લાના ક્લાસ-1 અધિકારીઓને દત્તક આપવામાં આવેલ છે. આ બાળકો અને પરિવાર માટે વિવિધ વિભાગો સાથે સંકલન સાધી કરવામાં આવી રહેલી કામગીરી અંગે વિગતે ચર્ચા કરવામાં આવી હતી.
આ અંગે મુખ્ય સચિવએ રચનાત્મક સૂચનો આપતા અધિકારીઓ દ્વારા દત્તક લેવાયેલા બાળક સહિત પરિવારનું સમયાંતરે ફોલોઅપ લઇને તેમને મળેલા યોજનાકીય લાભોનું રીવ્યુ કરી બાકી રહેલી કામગીરીને પુર્ણ કરવા તાકિદ કરી હતી. જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાએ પણ જિલ્લાના સંબંધિત વિભાગોના અધિકારીશ્રી-કર્મચારીઓને આયોજનબદ્ધ રીતે કામગીરી પૂર્ણ કરવા અંગે માર્ગદર્શન અને પ્રોત્સાહન પુરુ પાડીને જરૂરી સૂચનો કર્યા હતા. નર્મદા જિલ્લા કલેક્ટર કચેરીના વીડિયો કોન્ફરન્સ હોલ ખાતે વર્ચ્યુઅલ સંવાદ દરમિયાન જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુ, નિવાસી અધિક કલેક્ટર સી.એ.ગાંધી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી પી.બી.રાણપરીયા, જિલ્લા બાળ સુરક્ષા એકમના પ્રતિનિધિ લોપાબેન વ્યાસ સહિત સંબંધિત વિભાગના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.