અમદાવાદઃ પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે. બીજી તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત બાદ ગુજરાત સરકાર વિધાનસભાની વહેલી ચૂંટણી કરાવે તેવી અટકળો વહેતી થઈ હતી. જો કે, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તમામ અટકળો ઉપર પૂર્ણ વિરામ મુકીને ગુજરાત વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બર 2022માં સમયસર ચૂંટણીપંચ દ્વારા યોજવામાં આવશે, તેમ જણાવ્યું હતું.
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહિલા દિવસની મહિલાઓને શુભકામના પાઠવીને જણાવ્યું હતું કે, દેશમાં 50 ટકા મહિલાઓ અને 50 ટકા પુરુષ છે. મહિલાઓની શક્તિ બહાર નહીં આવે તો તેમને બીજાના આધારિત રહેવુ પડશે. મહિલાઓ દરેક ક્ષેત્રમાં ભાગીદાર બને તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું 5 ટ્રીલીયન ડોલર ઈકોનોમીનું સ્વપ્ન પૂર્ણ થશે. ગુજરાત સરકારે સત્તામાં મહિલાઓને 50 ટકા અને સરકારી નોકરીમાં 33 ટકા અનામત આપી છે. એટલું જ નહીં મહિલાઓની સુરક્ષાને લઈને અનેક કાયદા બનાવવામાં આવ્યાં છે. મહિલાઓની ઈશ્વરિય શક્તિઓ દેશ માટે ઉપયોગી સાબિત થશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આગામી તા. 12મી માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાબરમતી આશ્રમ આવી રહ્યાં છે. તેમજ તેઓ દાંડી યાત્રાને પ્રસ્થાન કરાવશે. 21મા દિવસે આ યાત્રાની દાંડીમાં પૂર્ણાહુતી થશે. દેશમાં આઝાદીના 75માં વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. આઝાદીમાં ગુજરાતે નેતૃત્વ કર્યું હતું.
ગુજરાત વિધાનસભાની વહેલી ચૂંટણીઓને વહેતી થયેલી અટકળો બાબતે તેમણે જણાવ્યું હતું કે, ધારાસભાની કોઈ ચૂંટણી વહેલી કરવાની નથી. ડિસેમ્બર 2022માં સમયસર ચૂંટણીપંચ ચૂંટણીકરશે. હાલના સમયમાં સરકારની અનેક યોજનાઓ ચાલી રહી છે અને આગામી દિવસોમાં નવી યોજનાઓ શરૂ કરવામાં આવશે. જેથી સારુ વાતાવરણ બનશે.