ગાંધીનગરઃ ગુજરાત સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થુ આપવામાં આવતું હોય છે. કેન્દ્ર સરકારે સમયાંતરે તેના કર્મચારીઓ માટે બેવાર મોંઘવારી ભથ્થાની જાહેરાત કરી છે, પણ હજુ ગુજરાત સરકારે મોંઘવારી ભથ્થાની જાહેરાત કરી નથી. એટલે રાજ્ય સરકારના કર્મચારીઓમાં કચવાટ ઊભો થયો છે. કર્મચારીઓ ઘણા સમયથી મોંઘવારી ભથ્થામાં વધારો કરાશે એની રાહ જોઈ રહ્યા છે. ત્યારે રાજય કર્મચારી મહામંડળ દ્વારા સરકારના કર્મચારી-અધિકારીઓને મોંઘવારી ભથ્થુ જાહેર ન કરાતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેખીત રજુઆત કરીને વહેલીતકે ચુકવણી કરવા માંગણી કરાઈ છે.
રાજય કર્મચારી મહામંડળના પ્રમુખ સતીષ પટેલ અને મહામંત્રી ભરત ચૌધરીએ જણાવ્યું હતું કે, કેન્દ્રના ધોરણે રાજય સરકારનાં અધિકારી-કર્મચારીને પગાર પંચ તથા અન્ય લાભ લાગુ કરવાનો સૈદ્ધાંતિક સ્વીકાર કરાયેલો છે. કેન્દ્ર સરકાર દ્વારા જુલાઈ 2022 ની અસરથી મોંઘવારી ભથ્થાનાં દરમાં 4 ટકાનો વધારો કરી 34 થી 38 ટકાનું મોંઘવારી ભથ્થુ જાહેર કર્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા તે પછી જાન્યુઆરી 2023 ની અસરથી મોંઘવારી ભથ્થાનાં દરમાં ફરી 4 ટકાનો વધારો કરી 38 ટકાથી 42 ટકા મોંઘવારી ભથ્થુ જાહેર કર્યુ હતું. તેની સામે ગુજરાતમાં હજુ મોંઘવારી ભથ્થાનો દર 34 ટકા છે. મોંઘવારી ભથ્થુ કેન્દ્રના ધોરણે ક્યારે જાહેર કરવામાં આવશે તેની કર્મચારીઓ રાહ જોઈ રહ્યા છે.
રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને મુખ્ય સચિવ રાજકુમારને પણ કેન્દ્ર દ્વારા જાહેર કરાયેલા જુલાઈ 2022 અને જાન્યુઆરી 2023 નુ મોંઘવારી ભથ્થુ રાજયના સરકારી કર્મચારીને વહેલી તકે લાગુ પાડવા રજુઆત કરાઈ છે છેલ્લા બન્ને વખતનું વધારેલુ મોંઘવારી ભથ્થુ જાહેર કરાયું નથી. ગુજરાતના ર્ક્મયોગીઓને પણ તેનો લાભ મળે તે રીતે ભથ્થુ વધારવુ જરૂરી છે.