- ગુજરાત સરકારના 5 લાખ કર્મચારીઓને લાભ મળશે,
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને કરી જાહેરાત,
- કર્મચારીઓએ સરકારના નિર્ણયને આવકાર્યો
ગાંધીનગરઃ ગુજરાત સરકારના કર્મચારીઓને પ્રવાસન સ્થળોએ ફરવા માટે એલટીસીનો લાભ આપવામાં આવે છે. જેમાં પ્રવાસ દરમિયાન વંદે ભારત ટ્રેનમાં મુસાફરીનો લાભ આપવામાં આવતો ન હતો. આથી કર્મચારી મંડળ દ્વારા રાજય સરકારને રજુઆત કરવામાં આવી હતી. દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓને રજા પ્રવાસ રાહત માટે વંદે ભારત ટ્રેનની મુસાફરીને માન્યતા આપવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
રાજ્ય સરકારના કર્મચારીઓને દર ચાર વર્ષે એલટીસી/વતન પ્રવાસનો લાભ 6000 કિમીની મર્યાદામાં આપવામાં આવે છે. કર્મચારીઓ દ્વારા આવા પ્રવાસ અન્વયે ટ્રેન દ્વારા મુસાફરી કરવામાં આવતી હોય છે. ત્યારે આ મુસાફરી હવે સરકારી કર્મચારીઓ વંદે ભારત ટ્રેનમાં પણ કરી શકશે. આ મુસાફરીનો 5 લાખ સરકારી કર્મચારીઓને લાભ મળશે. રાજ્ય સરકાર દ્વારા વંદે ભારત ટ્રેનમાં કર્મચારીઓને એલટીસી પ્રવાસ માટે માન્યતા અપાતા કર્મચારીઓમાં હર્ષની લાગણી જોવા મળી હતી.
ભારતીય રેલવે દ્વારા છેલ્લાં થોડાંક વર્ષોથી આધુનિક સુવિધા સાથેની વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવી છે. રાજ્ય સરકારના કર્મચારીઓને મળતી આવી રજા પ્રવાસ રાહતમાં વંદે ભારત ટ્રેનની મુસાફરીનો સમાવેશ કરવા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્મચારીઓના હિતમાં ઉદાર વલણ અપનાવીને એલટીસી બ્લોક 2020-23ની શરૂઆતથી રજા પ્રવાસ રાહત માટે વંદે ભારત ટ્રેનની મુસાફરીનો પણ સમાવેશ કરવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના પાંચ લાખ કર્મચારીઓને રજા પ્રવાસ રાહત દરમિયાન આ નિર્ણયનો લાભ મળશે. મુખ્યમંત્રીના દિશાદર્શનમાં નાણા વિભાગ દ્વારા આ અંગેના ઠરાવ પ્રસિદ્ધ કરવામાં આવશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક મહિના પહેલાં જ રાજ્ય સરકારના કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં 4 ટકા વધારાનો લાભ તા. 1 જાન્યુઆરી 2024થી આપવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ આજે કર્મચારીઓને એલટીસીના પ્રવાસમાં વંદે ભારત ટ્રેનનો સમાવેશ કરાયા છે.
#Gujarat #GujaratGovernment #Employees #BhupendraPatel #VandeBharatTrain #LTC #TravelAllowance #GovernmentEmployees #Gandhinagar #ChiefMinister #EmployeeBenefits #HRA #FinanceDepartment #GovernmentPay #LaborDepartment #IndianRailways #LeaveTravelConcession