Site icon Revoi.in

ગુજરાત સરકારે શ્રમયોગીઓના કલ્યાણ માટે બજેટમાં રૂ.500 કરોડની ફાળવ્યા છે: બળવંતસિંહ રાજપૂત

Social Share

ગાંધીનગરઃ   રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી  બળવંતસિંહ રાજપૂત અને રાજ્ય મંત્રી  કુંવરજી હળપતિની  ઉપસ્થિતિમાં શ્રમયોગી કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને સહાય વિતરણ કરવાનો અને શ્રમ યોગીઓ માટે નવી મોબાઈલ મેડીકલ વાન લોકાર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે  મંત્રી  બળવંતસિંહ રાજપૂતે સંબોધન કરતા જણાવ્યું હતું કે, કોઈ પણ ઉદ્યોગ, કારખાના કે બાંધકામની સફળતાના મૂળમાં અનેક શ્રમિકોની મહેનત હોય છે. એટલે જ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર શ્રમિકોના કલ્યાણ માટે હરહંમેશ પ્રયત્નશીલ રહી આયોજનબદ્ધ કામ કરી રહી છે. એટલા માટે જ વર્ષ 2023-24ના અંદાજપત્રમાં શ્રમિકોના કલ્યાણ માટે રાજ્ય સરકારે રૂ. 500 કરોડ જેટલી માતબર રકમની ફાળવણી કરી છે.

મંત્રી  રાજપૂતે ઉમેર્યું હતું કે, રાજ્યના શ્રમયોગીઓ સન્માનભેર જીવન જીવી શકે તે માટે તેમના શિક્ષણ, આરોગ્ય, આવાસ અને આહાર સહિતની જીવન જરૂરિયાતની સુવિધાઓ પૂરી પાડવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. શ્રમયોગીઓને તેમના કામકાજના સ્થળે જ જરૂરી આરોગ્ય સુવિધાઓ મળી રહે તે માટે રાજ્યમાં કુલ 16 જેટલી મોબાઈલ મેડીકલ વાન કાર્યરત છે, જેમાં નવી 8 વાનનો આજથી વધારો થતા રાજ્યમાં કુલ 24 મોબાઈલ મેડીકલ વાનની સેવાઓ શ્રમિકોને મળશે.

શ્રમ અને રોજગાર રાજ્ય મંત્રી  કુંવરજી  હળપતિએ જણાવ્યું હતું કે, ગુજરાતના શ્રમિકોની ચિંતા કરીને રાજ્ય સરકાર વખતો-વખત નવી શ્રમયોગી કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી શ્રમિકોને મુખ્ય હરોળમાં લાવવાનું કામ કરી રહી છે. જેના પરિણામે ગુજરાતમાં આજે 30 જેટલી શ્રમયોગી કલ્યાણકારી યોજનાઓ કાર્યરત છે. શ્રમિકોને યોગ્ય વેતન મળે તે માટે રાજ્ય સરકારે શ્રમિકોના લઘુતમ વેતનમાં આજસુધીનો સૌથી વધુ 25 ટકા જેટલો વધારો કર્યો છે. આ ઉપરાંત માત્ર પાંચ રૂપિયાના નજીવા દરે શ્રમિકોને ભોજન પૂરું પાડનારું ગુજરાત દેશનું એકમાત્ર રાજ્ય છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

આ કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડની 11 જેટલી કલ્યાણકારી યોજનાના 2961 જેટલા લાભાર્થીઓને રૂ. 2.70 કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી હતી. આ ઉપરાંત શ્રમ અને રોજગાર મંત્રી  બળવંતસિંહ રાજપૂત અને રાજ્ય મંત્રી  કુંવરજી હળપતિના દ્વારા નવી ૦૮ મોબાઈલ મેડીકલ વાનને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

આ પ્રસંગે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્મા, શ્રમ આયુક્ત  અનુપમ આનંદ, વેલ્ફેર કમિશ્નર  આર. ડી. સિંહ અને સભ્ય સચિવ  વી. આર. સક્સેના સહિત અધિકારીઓ, વિવિધ યોજનાના લાભાર્થીઓ અને શ્રમયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા.