Site icon Revoi.in

ગુજરાત સરકારે ગેસ કેડરના અધિકારીઓની બદલી, બઢતી અને નિયુક્તિના કર્યા આદેશ

Social Share

ગાંધીનગરઃ રાજ્ય સરકારે ગેસ કેડરના અધિકારીઓની બદલી, બઢતી અને નિયુક્તિના આદેશ કર્યા છે. ગેસ (ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ) કેડરના એક જૂનિયર સ્કેલના એક અધિકારીને પોસ્ટિંગ અને જૂનિયર સ્કેલના 2 મામલતદારને ડેપ્યુટી કલેક્ટર તરીકે બઢતી આપી છે. જેમાં  ચિંતન વૈષ્ણવને  સિપુ પ્રોજેક્ટ(પાલનપુર)માં જમીન અધિગ્રહણ અને પુનર્વસનના ડેપ્યુટી કલેક્ટર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્ય સરકારે 2022ની બેચના કુલ 12 પ્રોબેશનરની વિવિધ રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં નિયુક્તિ કરવામાં આવી છે.

ગુજરાત સરકારે ગેસ કેડરના જે અધિકારીઓની બદલી, બઢતી અને નિયુક્તિ કરી છે. જેમાં 2011માં GPSCની પરીક્ષા આપીને મામલતદાર બનેલા ચિંતન વૈષ્ણવને ગુજરાત સરકારે 2019માં ટર્મિનેટ કરી દીધા હતા. કડક અધિકારી તરીકેની છાપ ધરાવતા ચિંતન વૈષ્ણવની તેમના કાર્યકાળ દરમિયાન અનેકવાર બદલીઓ કરવામાં આવી હતી. તેઓ જ્યારે દાહોદ જિલ્લામાં ફરજ પર હતા ત્યારે 2 માર્ચ 2019ના રોજ તેમને ફરજ પરથી ટર્મિનેટ કરી દેવાયા હતા, જો કે સરકારે કોઈ કારણ પણ જાહેર કર્યું નહતું. ત્યાર બાદ તેઓ હાઇકોર્ટમાં ગયા હતા અને 2023માં હાઇકોર્ટે તેમને ફરજ પર હાજર થવા આદેશ કર્યો હતો. ચિંતન વૈષ્ણવને  સિપુ પ્રોજેક્ટ(પાલનપુર)માં જમીન અધિગ્રહણ અને પુનર્વસનના ડેપ્યુટી કલેક્ટર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. આ ઉપરાંત ડી.જે.જાડેજાને જૂનાગઢ જિલ્લાના વંથલીના મામલતદારમાંથી નર્મદા જિલ્લાના ડેપ્યુટી કલેક્ટર(સ્ટેમ્પ ડ્યુટી)બનાવવામાં આવ્યા છે. આર.એસ.હુંને સુરત શહેર-કતારગામ મામલતદારમાંથી ડેપ્યુટી કલેક્ટર(ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ડાયરેક્ટર ઓફ રિલીફ, ગાંધીનગર) બનાવવામાં આવ્યા છે.

જ્યારે 12 પ્રોબેશનર અધિકારીને રેવન્યૂ વિભાગમાં નિયુક્તિ આપવામાં આવી છે. જેમાં આદર્શ રાજેન્દ્ર બાસેરને ડેપ્યુટી કલેક્ટર(સ્ટેમ્પ ડ્યુટી, જિ. જામનગર)તરીકે નિયુક્તિ આપવામાં આવી છે. મુકલ મહેરચંદાણીને સુરેન્દ્રનગરના જિલ્લા પુરવઠા અધિકારી બનાવવામાં આવ્યા છે. નિકુંજ વિષ્ણૂભાઈ પટેલની ડેપ્યુટી કલેક્ટર(સ્ટેમ્પ ડ્યુટી, જિ. ભરૂચ)તરીકે નિયુક્તિ આપવામાં આવી છે. ડો.નીતિ ચરણની સ્પેશિયલ લેન્ડ એક્વિઝિશન ઓફિસર(સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ-ગાંધીધામ,જિ.કચ્છ) તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. સંધ્યાબેન હેરમાની ડેપ્યુટી કલેક્ટર(સ્ટેમ્પ ડ્યુટી, જિ.ભાવનગર)તરીકે નિયુક્તિ આપવામાં આવી છે. સાજણભાઈ મેરની ડેપ્યુટી કલેક્ટર(સ્ટેમ્પ ડ્યુટી, જિ. મહેસાણા)તરીકે નિયુક્તિ આપવામાં આવી છે.