અમદાવાદઃ રાજ્યમાં આ વર્ષે ભાદરવા મહિનામાં સારો એવો વરસાદ પડ્યો હતો. વરસાદને કારણે નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે, તેમજ જિલ્લા પંચાયત હસ્તકના માર્ગો, તથા નાના-મોટા તમામ શહેરોના રોડ-રસ્તાઓ ધોવાઈ ગયા હતા. આથી વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે. માર્ગ અને મકાન વિભાગના મંત્રીએ તાત્કાલિક ધોરણે એક વોટ્સએપ નંબર જાહેર કરી રસ્તાઓને મરામત કરવાનું અભિયાન આદર્યું હતું.. જેમાં સરકારને કુલ 30 હજાર ફરિયાદ મળી હતી. જેમાંથી 22 હજાર ફરિયાદનો નિકાલ કરી રસ્તાઓ પર પેચ વર્ક કરી દેવામાં આવ્યું છે. સરકારની જાહેરાત બાદ શરૂઆતના તબક્કામાં 7 હજાર જેટલી ફરિયાદ આવતી હતી તૂટેલા રસ્તાઓ મુદ્દે પરંતુ હવે દિવસની માત્ર 1500 જેટલી ફરિયાદ આવી રહી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં સૌથી વધુ રોડ તૂટવાની ફરિયાદ જામનગર, અમરેલી, રાજકોટ, જૂનાગઢ જિલ્લાઓમાંથી મળી હતી. આ ચાર જિલ્લામાં વરસાદને લીધે રોડને સૌથી વધુ નુકસાન પહોંચ્યું હતું. નુકસાન થયેલા મોટાભાગના રસ્તા લાયેબિલિટીવાળા છે. જેથી સરકારને કોઈપણ પ્રકારનું આર્થિક નુકસાન થયું નથી પરંતુ હજુ પણ કેટલાક જિલ્લામાંથી તૂટેલા રસ્તાઓની દિવસભર ફરિયાદ આવી રહી છે. જેથી આગામી દિવસોમાં સરકાર પણ એ દિશામાં પગલાં ભરીને તૂટેલા રોડ રસ્તાઓની મરામત કરશે.
અમદાવાદ શહેરમાં સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે, શહેરના રસ્તાઓ ઉપર પડેલા ખાડાઓનું ઝડપથી પેચવર્ક કરાશે. ઉપરાંત આગામી ત્રણ મહિનામાં 200 કરોડથી વધુના ખર્ચે નવા રોડ બનાવવામાં આવશે.
નવી ગુજરાત સરકારના નવા મંત્રીઓ ઈલેક્શનને કારણે એક્શન મોડમાં આવી ગયા છે. ખાસ કરીને વર્ષોથી પ્રજાજનો માટે માથાના દુખાવા સમાન રહેલા રસ્તાની મરામતનો પ્રશ્ન ઉકેલવા માર્ગ અને મકાનમંત્રી પૂર્ણેશ મોદીએ 1 ઓક્ટોબરથી ‘માર્ગ મરામત મહાઅભિયાન’ શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો. 1થી 10 ઓક્ટોબર સુધી ચાલનારા આ મરામત મહાઅભિયાન હેઠળ જે કોઈ નાગરિકોને રસ્તાના પ્રશ્નો હોય તેઓ વ્હોટ્સએપ દ્વારા મોકલવા માટે અપીલ કરવામાં આવી હતી, જેના માટે 9978403669 વ્હોટ્સએપ નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. માર્ગ મકાનમંત્રી પૂર્ણેશ મોદીએ ફેસબુક અને ટ્વિટર પર પોસ્ટ મૂકતાંની સાથે જ ગુજરાતના અલગ-અલગ વિસ્તારોના લોકોએ પોતાના વિસ્તારમાં થતી રોડ સમસ્યા વિશે કોમેન્ટ શરૂ કરી દીધી હતી. સરકારને કુલ 30 હજાર ફરિયાદ મળી હતી. જેમાંથી 22 હજાર ફરિયાદનો નિકાલ કરી રસ્તાઓ પર પેચ વર્ક કરી દેવામાં આવ્યું છે. સરકારની જાહેરાત બાદ શરૂઆતના તબક્કામાં 7 હજાર જેટલી ફરિયાદ આવતી હતી તૂટેલા રસ્તાઓ મુદ્દે પરંતુ હવે દિવસની માત્ર 1500 જેટલી ફરિયાદ આવી રહી છે.