ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. જેમાં પ્રશ્નોત્તરી દરમિયાન રાજય સરકાર દ્વારા છેલ્લા બે વર્ષ દરમિયાન 29 જિલ્લામાં કેટલી પ્રાથમિક અને માધ્યમિક ગ્રાન્ટેડ, ખાનગી શાળાઓને મંજૂરી આપવામાં આવી તેવા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યું કે, છેલ્લા બે વર્ષમાં એકપણ ગ્રાન્ટેડ શાળાને મંજૂરી આપી નથી. જયારે 359 ખાનગી પ્રાથમિક શાળાઓને અને 135 ખાનગી માધ્યમિક શાળાઓને મંજૂરી અપાઇ છે.
ગુજરાતમાં છેલ્લા બે વર્ષ દરમિયાન સૌથી વધુ નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓ રાજકોટમાં આપવામાં આવી છે. જયારે સૌથી વધારે નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળાની અમદાવાદમાં આપી છે. એંકદરે સરકારે આર્થિકરીતે પછાત કહેવાતા જિલ્લાઓમાં પણ ખાનગી પ્રાથમિક અ્ને માધ્યમિક શાળાઓને મંજૂરી આપી હતી. કોંગ્રેસના ધારાસભ્યોનો આક્ષેપ હતો કે, સરકારે ગ્રાન્ટેડને બદલે ખાનગી શાળાઓને મંજૂરી આપી શિક્ષણનું ખાનગીકરણ કરી સંચાલકોને કમાણી કરાવી આપવાની નીતિ અપનાવી છે. જે વાલીઓ માટે યોગ્ય નથી.
સૂત્રોના કહેવા મુજબ સંસદમાં તાજેતરમાં રજૂ કરાયેલા અહેવાલમાં ગુજરાતમાં 1,06,800 બાળકો શાળાનું પહેલુ પગથિયુ પણ ચડતા નથી અને આ સ્થિતિમાં અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાત પ્રથમ નંબરે છે. રાજ્યમાં સરકારે સ્વનિર્ભર શાળાઓને પ્રોત્સાહન આપીને ગામડાના નાના નાના કસબામાં ચાલતી શાળાઓ પણ બંધ કરી દીધી છે. પરિણામે શાળાએ ન જતા બાળકોની સંખ્યામાં દેશમાં ત્રીજા નંબરે છે. આજે નાના નાના ગામડાઓના વિદ્યાર્થીઓએ દુરના ગામડાઓની સ્કૂલોમાં જઇને અભ્યાસ પુરો કરવો પડે છે.(FILE PHOTO)