અમદાવાદઃ કેન્દ્રના સામાજિક, ન્યાય અને અધિકારીતા રાજ્ય મંત્રી રામદાસ આઠવલે ગુજરાતના પ્રવાસે છે. આજે તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધા બાદ વડોદરામાં જણાવ્યું હતું કે, પાટીદારોને ઓબીસીમાં સમાવવા અંગેના નિર્ણયનો અધિકાર રાજ્ય સરકાર પાસે છે. ગુજરાત સરકારે પાટીદારોને ઓબીસીમાં સમાવવા માટેનો નિર્ણય જલ્દીથી લેવો જોઈએ.
વડોદરામાં દાદા સાહેબ ફાળકેના નામ સાથે સંકળાયેલી સંસ્થા આયોજિત કાર્યક્રમમાં ગ્લોબલ યુથ આઇકોન એવોર્ડ્સનું રામદાસ આઠવલેના હસ્તે વિતરણ કરાયું હતું. તેમણે જણાવ્યું હતું કે, પાટીદારોને OBCમાં લેવા કે નહીં તેના અધિકાર રાજ્યોને આપ્યા છે. ગુજરાત સરકારને વિનંતી કરૂ છું. કે, પાટીદારોનો OBCમાં સમાવેશ કરવાનો નિર્ણય જલ્દીથી લે. એક પ્રશ્નના જવાબમાં તેમણે જાતિ આધારિત વસતી ગણતરીની માંગને ગેર વાજબી ગણાવતા કહ્યું કે, વસતી ગણતરીએ કેન્દ્રને આધીન બાબત છે. જાતિ વાર વસતી ગણતરીથી જાતિવાદને વેગ મળશે જે બંધારણની ભાવનાને આહત કરશે.
દેશના પાંચ રાજ્યોમાં ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે. તે અંગે તેમણે જણાવ્યું હતું કે, પક્ષપલટાની કોઈ વિપરીત અસર નહીં થાય અને વડાપ્રધાનની આગેવાની હેઠળ એન.ડી.એ.ને ચાર રાજ્યોમાં જ્વલંત સફળતા મળશે. પંજાબમાં પણ ભાજપ કેપ્ટનના સાથથી મજબૂત દેખાવ કરશે. ઉત્તરપ્રદેશમાં ભાજપ 300થી વધુ બેઠકો પર જીતશે. કિસાન આંદોલન ફરીથી કરવા અંગે તેમણે જણાવ્યું કે, વડાપ્રધાને કૃષિ કાયદા પાછા લીધાં છે, એમએસપી માટે સમિતિ બનાવી છે, ત્યારે પુનઃ આંદોલનનું કોઈ ઔચિત્ય જણાતું નથી
તેમણે ઉમેર્યું હતું કે, ઉજ્જવલા યોજના હેઠળ દેશમાં 44 લાખ 42 હજાર ઘરોને રાંધણ ગેસ જોડાણો આપવામાં આવ્યા છે. તેમણે શહેરી અને ગ્રામીણ ગરીબો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અમલમાં મૂકી છે જેના હેઠળ દેશમાં શહેરી ગરીબોને 53 લાખ 42 હજાર અને ગુજરાતમાં 6 લાખ 30 હજાર લોકોને તથા ગ્રામીણ ગરીબોને દેશમાં 2 કરોડ 12 લાખ 92 હજાર અને ગુજરાતમાં 3 લાખ 33 હજાર લોકોને ઘર મળ્યા છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાથી દેશમાં 2 કરોડ 72 લાખ કરતાં વધુ લોકોને આરોગ્ય રક્ષાનો લાભ મળી રહ્યો છે જેમાં ગુજરાતના લાખો લાભાર્થીઓ સામેલ છે.