ગાંધીનગરઃ કોરોના સંક્રમણ હળવું થતાં રાજ્ય સરકારે ઔધોગિક મૂડીરોકાણ માટેના પ્રયાસ શરૂ કર્યા છે જેના ભાગપે જાન્યુઆરી 2022માં રાજ્યની 10મી ગ્લોબલ વાયબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટની શકયતા તપાસવા તેમજ તે અગાઉ દુબઇના આંતરરાષ્ટ્ર્રીય એકસપોમાં ભાગ લેવા તૈયારી શરૂ કરવામાં આવી છે. રાજ્યના ઉધોગ વિભાગ, ઉધોગ કમિશનરેટ અને ઇન્ડેટ–બીના ઉપક્રમે આ બન્ને ઇવેન્ટ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષપદે યોજાયેલી ઉધોગ વિભાગની એક બેઠકમાં દુબઇ એક્સપોમાં ગુજરાત વાયબ્રન્ટ સમિટનું પ્રમોશન કરવા બાબતે કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા હતા. જો કોરોના મહામારીની સંભવિત ત્રીજી લહેર આવશે નહીં તો રાજ્યના વિવિધ પ્રતિનિધિમંડળોને દુબઇ એક્સપોની મુલાકાત લેવાનું ઠરાવવામાં આવ્યું હતું. દુબઇમાં યોજાનારા વર્લ્ડ એક્સપોમાં ભાગ લેવા માટે ઉચ્ચ અધિકારીઓની બનેલી ઓર્ગેનાઇઝીંગ અને એકિઝકયુટિવ વર્કિગ ગ્રુપ કમિટીની રચના કરવામાં આવી છે. આ એકસપો 1લી ઓકટોબર 2021 થી શરૂ થઇ રહ્યો છે અને તે 31મી માર્ચ 2022સુધી ચાલવાનો છે. ભારતીય પેવેલિયનમાં રાજ્ય સરકાર 1લી ઓકટોબરથી 14 ઓકટોબર સુધી ભાગ લેવાની છે.
ઉધોગ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, ઓર્ગેનાઇઝીંગ કમિટીમાં 11 સભ્યો છે જેમાં નવ આઇએએસ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યારે બીજી કમિટીમાં 20 સભ્યો છે જે પૈકી 12 આઇએએસ અધિકારીઓ સામેલ છે. આ એક્સપોમાં ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારીઓના બનેલા પ્રતિનિધિમંડળો ઉપસ્થિત રહેશે. ગુજરાતના પેવેલિયનમાં સેમિનાર, બી ટુ બી અને જી ટુ જી બેઠકોનું આયોજન કરાશે. આ એક્સપોમાં ગુજરાતના ઔધોગિક વિકાસ સહિત સંસ્કૃતિ અંગેનું એક પ્રદર્શન પણ રાખવામાં આવશે.
ગુજરાતમાં 2021માં મુલતવી રહેલી 10મી વાયબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટ હવે જાન્યુઆરી 2022માં ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિરમાં યોજાશે. આ સમિટ યોજવા માટે રાજ્યના ઉધોગ અને તેને સંલગ્ન વિભાગો જેવાં કે ઇન્ડેટ–બી, પ્રવાસન નિગમ, ઉધોગ કમિશનરની કચેરી સહિતના નવ જેટલા વિભાગોએ તૈયારી શરૂ કરી છે. ઉધોગ વિભાગના સૂત્રોએ કહ્યું હતું કે ઓગષ્ટ્રમાં કોરોના સંક્રમણની ત્રીજી લહેર નહીં આવે તો પરિસ્થિતિ જોઇને સરકાર નિર્ણય લેશે. દુબઇમાં યોજાઇ રહેલા વર્લ્ડ એક્સપો– 2021માં ભાગ લેવા માટે ગુજરાત સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ એક્સપોમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય પાણી, અન્ય કેબિનેટ મંત્રીઓ, ઉચ્ચ અધિકારીઓ તેમજ રાજ્યના ઉધોગજૂથના પ્રતિનિધિઓ હિસ્સો લેવાના છે. રાજ્યના ઉધોગ અને ખાણ, ઇન્ડેટ–બી સહિતના વિભાગોએ ગુજરાતના ડેલિગેશન માટે પસંદગી શરૂ કરી છે.
ગુજરાત સરકારે આ એકસપોમાં ભાગ લેવા માટે 10 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે, જેમાં જગ્યાના ભાડા પેટે પાંચ કરોડ અને અન્ય સેવાઓ માટે પાંચ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. દુબઇના આ એકસપોમાં ભારત સરકાર 500 કરોડના ખર્ચે મિની ઇન્ડિયાનું એક પેવેલિયન બનાવી રહી છે જેમાં ગુજરાતનો પણ હિસ્સો છે.