ગાંધીનગરઃ ગુજરાત સરકારે ડુંગળી અને બટેકાના પાકમાં ખેડુતોને સહાય આપવાની જાહેરાત કરાયા બાદ નાફેડ દ્વારા પણ ડુંગળીના ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે. દરમિયાન રાજ્ય સરકારે લઘુત્તમ ટેકાના ભાવે ઘઉં, બાજરી, જુવાર, રાગી, મકાઈની ખરીદી નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ મારફતે કરવાની પણ જાહેરાત કરી છે. જેમાં લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક ખેડૂતોએ ઓનલાઇન નોંધણી સ્થાનિક ગ્રામ્ય કક્ષાએ VCE દ્વારા તા. 31/3/23 સુધી કરવામાં આવશે. જેમાં નોંધણી માટે જરૂરી આધાર પુરાવા જેવા કે, આધાર કાર્ડની નકલ, અદ્યતન ગામ નમુનો 7/12, 8-અની નકલ, ગામ નમુના-12મા પાક વાવણી અંગેની એન્ટ્રી ના થઈ હોય તો પાક વાવણી અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, ખેડૂતના નામની બેંક ખાતાની વિગત જેમ કે, બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં ઘઉં પકવતા ખેડૂતો લઘુત્તમ ટેકાના ભાવે પોતાનો પાક વેચાણ કરવા ઇચ્છતા હોય તો ઓનલાઇન નોંધણી કરાવી ફરજિયાત છે. આ માટે સંબંધિત ગ્રામ પંચાયતનો સંપર્ક કરી નોંધણી કરાવવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે. ખરીદી સમયે ખેડૂતે પોતાનું આધારકાર્ડ / ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે. ખેડૂત ખાતેદારના બાયોમેટ્રિક ઓથે ન્ટીકેશન દ્વારા જ જથ્થો ખરીદવામાં આવશે. નોંધણી કરાવતી વખતે તમામ ડોક્યુમેન્ટ સુવાચ્ય હોય તથા માગ્યા મુજબના જ ડોક્યુમેન્ટ અપલોડ થાય તેની નોંધણી સ્થળ/ કાઉન્ટર છોડતા પહેલા ખાસ કાળજી રાખવી જરૂરી છે. જેમાં ડોક્યુમેન્ટની ચકાસણી દરમિયાન જો ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કરાયા હોવાનું ધ્યાને આવશે તો ક્રમ રદ થશે અને ખરીદી માટેની જાણ કરવામાં આવશે નહીં.નોંધણી બાબતે કોઈ મુશ્કેલી જણાય તો હેલ્પલાઇન નંબર 8511171718 તથા 8511171719 પર સંપર્ક કરવા જણાવાયું છે.