ગાંધીનગરઃ ગુજરાત સરકારે હવે કરકસરના હેતુથી અધિકારીઓ માટે નવા વાહનોની ખરીદી નહીં કરીને હવે વાહનો આઉટસોર્સથી એટલે કે, કોન્ટ્રાક્ટથી સેવામાં લેવાનો નિર્ણય કર્યો છે. સરકારના સામાન્ય વહિવટ વિભાગે આ અંગેને પરિપત્ર પણ જારી કરી દીધો છે. જેમાં જે વાહનોનાના કિલોમીટર પુરા થઈ ગયા છે. અને વાહનો કંડમ બની ગયા છે. એવા વાહનો સામે નવા વાહનો ખરીદાશે નહીં, પરંતુ જરૂરિયાત મુજબ વાહનો આઉટસોર્સથી યાને કાન્ટ્રાક્ટ પર ભાડે લઈ શકાશે. આ નિર્ણયથી નવા વાહનોની રાહ જોઈ રહેલા અધિકારીઓએ ભાડેથી મેળવેલા વાહનોમાં મુસાફરી કરવી પડશે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત સરકારે તેની વિવિધ કચેરીઓમાં અધિકારી સહિતના સ્ટાફ માટે ઉપયોગમાં લેવાતા હાલના વાહનો જુના- ભંગાર હાલત થયા હોય તેમને કંડમમાં મોકલીને નવા વાહનો ખરીદીના બદલે હવે નાણામંત્રાલયની મંજુરી બાદ આઉટસોર્સથી વાહન સેવાઓ મેળવવા સૂચના આપવામાં આવી છે. આ અંગે કરાયેલા એક કરારના ભાગરૂપે, કરકસરના ભાગરૂપ, સ્ટાફ માટે નવા વાહનો ખરીદવાના બદલે હવે આઉટસોર્સની વાહનો ભાડે મેળવાશે. પુખ્ત વિચારણાને અંતે સામાન્ય વહીવટ વિભાગના સંદર્ભ ક્રમાંક- (1) સામેના ઠરાવની જોગવાઈઓ તથા નાણા વિભાગના સંદર્ભ ક્રમાંક- (2) સામેના પરિપત્રની સૂચનાઓ ધ્યાને લઈને કરકસરના ભાગરૂપે સચિવાલયના વહીવટી વિભાગો, રાજય સરકાર હસ્તકની ખાતાના વડાની કચેરીઓ તથા જિલ્લાની કચેરીઓ માટે નવી કચેરી/સેટઅપની રચનાના કિસ્સામાં તથા હયાત કચેરીના ઉપયોગ માટે કંડમ વાહન સામે સ્ટાફ કાર તરીકે નવુ વાહન ખરીદવાના બદલે, ખાતા કે કચેરીની જરૂરિયાત અનુસાર સ્ટાફ કાર માટે વાહનની સેવાઓ નાણા વિભાગની પૂર્વમંજુરી મેળવ્યા બાદ આઉટસોર્સથી મેળવવાની રહેશે. સામાન્ય વહીવટ વિભાગના સંદર્ભ ક્રમાંક- (1) સામેના ઠરાવની વાહનની સેવા આઉટસોર્સથી મેળવવા અંગેની તમામ સૂચનાઓ યથાવત રહેશે. (પ્રતિકાત્મક તસવીર)