ગુજરાત સરકારના વિવિધ પ્રયાસોને લીધે છેલ્લા બે દાયકામાં કૃષિક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન થયુઃ કૃષિમંત્રી
ગાંધીનગરઃ કૃષિ મંત્રી રાઘવજી પટેલે દિલ્હી ખાતે આયોજિત વર્લ્ડ ફૂડ ઇન્ડિયા-2023 દરમિયાન ““ફૂડ પ્રોસેસિંગ-અમૃતકાળનું વિકસતું ક્ષેત્ર” વિષય પરના સ્ટેટ નોલેજ સેશનમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે રાજ્યના વિકાસ માટે કરેલા વિવિધ પ્રયત્નોના પરિણામે છેલ્લા બે દાયકામાં ગુજરાતના કૃષિ અને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે. વડાપ્રધાનના પ્રયાસોને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સફળતાપૂર્વક આગળ ધપાવી રહ્યા છે, અને કૃષિ ક્ષેત્રે ગુજરાતને અગ્રણી રાજ્ય બનવા તરફ દોરી રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે નવી દિલ્હી ખાતે ત્રિ-દિવસીય “વર્લ્ડ ફૂડ ઈન્ડિયા-2023 કાર્યક્રમની દ્વિતીય આવૃત્તિનો શુભારંભ કરાવ્યો હતો. વર્લ્ડ ફૂડ ઇન્ડિયા કાર્યક્રમમાં ગુજરાત પાર્ટનર સ્ટેટ તરીકે જોડાયું છે. ગુજરાત રાજ્ય તરફથી આ કાર્યક્રમમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવ એ. કે. રાકેશ, ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝના મેનેજીંગ ડીરેક્ટર ડી. એચ. શાહ સહભાગી થયા હતા.
દિલ્હી ખાતે વર્લ્ડ ફૂડ ઇન્ડિયા કાર્યક્રમના શુભારંભ બાદ “ફૂડ પ્રોસેસિંગ-અમૃતકાળનું વિકસતું ક્ષેત્ર”ની થીમ પર એક વિશેષ સ્ટેટ નોલેજ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય અતિથિ તરીકે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
કૃષિ મંત્રીએ આ સેશનને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, દેશના ઔદ્યોગિક અને કૃષિ ક્ષેત્રના વિકાસમાં ગુજરાતનું યોગદાન મહત્વપૂર્ણ છે. ગુજરાતની વૈવિધ્યસભર ભૌગોલિક પરિસ્થિતિના અને પ્રાકૃતિક વાતાવરણ જ તેની વિશેષતા છે અને તેને અનુરૂપ 40થી વધુ પ્રકારના પાકોનું રાજ્યમાં વાવેતર થાય છે. ગુજરાત આજે નવી જણસીઓના ઉત્પાદનમાં દેશ નહિ, પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રથમ સ્થાને છે. પરિણામે આજે ગુજરાત કૃષિ ઉદ્યોગની સ્થાપના માટે પણ પ્રથમ પસંદગી બની રહ્યું છે. સાથે જ, છેલ્લા બે દાયકા દરમિયાન ગુજરાતના બાગાયતી ખેતીનો વ્યાપ પણ ત્રણ ગણો વધ્યો છે.
વધુમાં કૃષિ મંત્રીએ આ સેશન દરમિયાન કૃષિ ક્ષેત્રે ગુજરાતની વિવિધ સિદ્ધિઓ, ખેડૂતોની આવક બમણી કરવા રાજ્ય સરકાર દ્વારા શરુ કરાયેલી વિવિધ કલ્યાણકારી યોજનાઓ, કાર્યક્રમો અને મહત્વપૂર્ણ નિર્ણયો અંગે સૌને માહિતગાર કર્યા હતા. સાથે જ મંત્રીએ ઉદ્યોગકારોને ગુજરાતના કૃષિ ક્ષેત્રે રોકાણ કરવા માટે આવકાર્યા હતા, તેમજ ઉદ્યોગ માટે ગુજરાતમાં ઉપલબ્ધ વિવિધ સુવિધાઓ અંગે પણ વિસ્તારથી વાત કરી હતી.
મંત્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે કૃષિ ક્ષેત્રે ક્રાંતિ લાવતા અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા હતા. સાથે જ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો પણ પ્રારંભ કરાવ્યો હતો. આજે વાઈબ્રન્ટ સમિટ-2023ના ભાગરૂપે, કૃષિ વિભાગ દ્વારા આણંદ ખાતે તા.7 ડિસેમ્બરના રોજ એગ્રો ફૂડ પ્રોસેસિંગ વિષય પર “પ્રી-વાઈબ્રન્ટ સમિટ”નું આયોજન કરવામાં આવ્યું છે. આ સમિટમાં સહભાગી થઇ ગુજરાતની વિકાસયાત્રામાં સહભાગી થવા મંત્રીએ રોકાણકારોને અનુરોધ કર્યો હતો. આ સેશન પૂર્વે કૃષિ મંત્રી રાઘવજી પટેલે “વર્લ્ડ ફૂડ ઇન્ડિયા-૨૦૨૩” અંતર્ગત ચાલી રહેલી પ્રદર્શનીમાં સ્થિત ગુજરાતના સ્ટોલનો પણ શુભારંભ કરાવ્યો હતો.