કોરોના સામે ગુજરાત સરકારની લડાઈ,આજથી અમદાવાદમાં રસી નહી તો એન્ટ્રી નહીં
- કોરોના સામે ધારદાર ગુજરાત સરકાર
- લોકોને વેક્સિન આપવામાં પણ અવલ્લ
- રસી નહીં તો એન્ટ્રી નહીં
અમદાવાદ શહેરમાં આજથી કોરોનાને લઈને લડાઈ વધારે તેજ કરવામાં આવી છે. કોરોનાવાયરસના કેસ ભલે શહેરમાં ઓછા નોંધવામાં આવ્યા હોય પરંતુ હજુ પણ સરકાર કોરોનાવાયરસના સંક્રમણને હળવાશમાં લેવાના મુડમાં નથી. આવા સમયમાં AMTS- BRTSની બસોમાં તથા મહાપાલિકાની ઓફિસોમાં રસી વગર કોઈ નાગરિકને પ્રવેશ નહીં મળે.
જાણકારી અનુસાર 18થી વધુ વયના લોકોએ વેક્સિન લીધાનું ફિઝીકલ કે ઈ- સર્ટિફિકેટ સાથે રાખવાનું રહેશે. 17 સપ્ટેમ્બરે મ્યુનિ. કમિશનરે ટ્વિટ કરી નો વેક્સિન – નો એન્ટ્રીની જાહેરાત કરી હતી. આ હિસાબે સોમવારથી મ્યુનિ. ની જુદીજુદી તમામ સેવા સ્થળો ઉપર કોરોના સર્ટિફિકેટની તપાસ કર્યા બાદ જ એન્ટ્રી આપવા નિર્ણય કરાયો છે.
આ ઉપરાંત જો વાત કરવામાં આવે એએમટીએસ, બીઆરટીએસ, કાંકરિયા લેકફ્રન્ટ, રિવરફ્રન્ટ, લાઈબ્રેરી, જીમખાના, સ્વિમિંગ પુલ, એએમસી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, સિટી સિવિક સેન્ટરમાં સોમવારથી વેક્સિન લીધા વગરના લોકો માટે પ્રવેશ નિષેધ કરાયો છે.
ગુજરાતમાં આજે કોરોનાના નવા 8 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 15 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,505 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.76 ટકાએ પહોંચ્યો છે. મ્યુનિ.એ કડક વલણ અપનાવતા જમાલપુર, દરિયાપુર, શાહપુર, જુહાપુરા, દાણીલીમડા જેવા જુદા જુદા વોર્ડમાં લોકોએ વેક્સિન લેવા સવારથી દોડાદોડ કરી હતી. 20 તારીખથી વેક્સિન વગર મ્યુનિ. કચેરીઓમાં પ્રવેશ નિષેધ હોવાના સમાચારના કટિંગ શનિવારથી લોકોના મોબાઈલમાં ફરતા થયા હતાં.