અમદાવાદઃ ઉત્તરપ્રદેશમાં યોગી આદિત્યનાથની સરકારે લવ જેહાદના બનાવો અટકાવવા લવ જેહાદનો કાયદો લાવી હતી. જેનો અભ્યાસ બાદ ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારે પણ રાજ્યમાં કાયદો બનાવ્યો છો અને તેનો અમલ કરવામાં આવી રહ્યો છે. જેને ગુજરાતની હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. રાજયની વડી અદાલતના ચીફ જસ્ટિસ વિક્રમનાથની ખંડપીઠ સમક્ષ અરજી કરાતા બે દિવસમાં સુનાવણી કરવા નિર્દેશ કર્યો છે.
કેસની હકીકત અનુસાર ગત વિધાનસભા સત્રમાં પસાર કરવામાં આવેલા ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમને રાજ્યપાલની મંજૂરી મળ્યા બાદ રાજ્ય સરકારે તેનો વિધિવત અમલ શરૂ કર્યો હતો. આ કાયદાની મુખ્ય જોગવાઇ મુજબ હવે કોઇપણ વ્યક્તિ લગ્નની લાલચે ધર્મ પરિવર્તન કરાવશે અને ધર્મપરિવર્તનના હેતુથી લગ્ન કરશે તેની સામે ગુનો દાખલ કરવામાં આવશે.માત્ર ધર્મપરિવર્તનના હેતુથી કરેલા લગ્નના કિસ્સામાં આવા લગ્ન ફેમિલી કોર્ટ અથવા ન્યાયક્ષેત્ર ધરાવતી કોર્ટ દ્વારા રદ કરવામાં આવશે. સાબિત કરવાનો ભાર પણ આરોપી અને તેના સહાયકો પર રહેશે. આ ઉપરાંત આરોપીને 3થી 5 વર્ષની કેદ અને 2 લાખ કે તેથી વધુના દંડની જોગવાઇ કાયદામાં કરાઇ છે. ભોગ બનેલી યુવતી અથવા તેના માતા-પિતા, લોહીની સગાઇ ધરાવતા પરિવારજનો પણ આવા ધર્મ પરિવર્તન તેમજ લગ્ન સામે એફઆઇઆર દાખલ કરાવી શકશે. આ પ્રકારની પ્રવૃત્તિમાં સંકળાયેલી તેમજ જોગવાઇઓનું પાલન ન કરનારી સંસ્થાનું રજિસ્ટ્રેશન રદ કરવા ઉપરાંત 3થી 10 વર્ષની સજા તેમજ 5 લાખ સુધીનો દંડ થશે. આ પ્રકારના ગુનામાં ડીવાયએસપીથી ઉતરતી કક્ષાના અધિકારી દ્વારા તપાસ કરી શકાશે નહીં.
રાજ્ય સરકારે ધર્મ પરિવર્તનના કાયદામાં કરેલા સુધારા તથા ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક 2021 હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. આ અરજીમાં બંધારણથી પ્રીત કાયદો લાવી અને નાગરિકોના હક્કો પર સરકાર તરાપ મારી શકે નહીં તેવી રજૂઆત કરાઈ છે. આ સાથે જ અરજદારે હાઇકોર્ટમાં અરજીની સુનાવણી ઝડપી થાય તેની પરવાનગી માંગી છે. કોર્ટ દ્વારા અરજદારની રજૂઆત સ્વીકારતા ઝડપી સુનાવણી માટે આપી પરવાનગી આપવામાં આવી છે.