અમદાવાદઃ રાજ્ય સરકારે તાલુકા અને જિલ્લા પંચાયતોમાં વર્ગ 3ના કર્મચારીઓની ભરતી માટે જિલ્લા કક્ષાની પંચાયત પસંદગી સમિતિઓનું વિસર્જન કરી સઘળી સત્તા રાજ્ય સરકારે હસ્તક કરતા ત્રણ વર્ષથી ભરતી પ્રક્રિયાની રાહ જોઈ રહેલા લાખો યુવાનોમાં નિરાશા વ્યાપી ગઈ છે. રાજ્ય સરકારે ત્રણ વર્ષ પહેલા તલાટી અને કલાર્કની 2937 જગ્યા માટે 35 લાખ જેટલા અરજીકર્તાઓના 20 કરોડ રૂપિયા ફી પેટે વસૂલ્યા હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે ત્રણ વર્ષ પહેલા તલાટી અને કલાર્કની 2937 જગ્યા પર ભરતી પ્રક્રિયા જાહેર કરી હતી. આ જગ્યા માટે 35 લાખ જેટલા ફોર્મ ભરાયા હતા. આ ભરતી માટે ગુજરાતના યુવાનો પાસે થી 20 કરોડ રૂપિયાથી વધુની પરીક્ષા ફી વસુલાઈ હતી. આ ભરતી પ્રક્રિયા અંતિમ તબક્કામાં લઇ જવાને બદલે રાજ્ય સરકારે જિલ્લા કક્ષાએ ભરતી પ્રક્રિયા રદ કરીને વિધાનસભામાં કાયદાની જોગવાઈ કરીને ભરતી પ્રક્રિયાની સંપૂર્ણ કામગીરી રાજ્ય સરકાર હસ્તક મેળવી લીધી છે અને આ તમામ ફોર્મ રદ્દ કરી દીધા છે.
ગુજરાતમાં 17 હજાર 265 ગ્રામપંચાયતમાં 7 હજાર 133 તલાટીની જગ્યાઓ સામે માત્ર 3500 જેટલા જ તલાટી હાલમાં કામગીરી કરી રહ્યા છે. એટલે કે 5 ગામ વચ્ચે 1 તલાટીની કામગીરી છે. ‘વાંચે ગુજરાત’ની જાહેરાત કરતી ભાજપ સરકારે 15 વર્ષથી શાળા કોલેજ જાહેર વાંચનાલયમાં લાયબ્રેરીયનની ભરતી કરવામાં આવતી નથી. ‘રમશે ગુજરાત’ની વાતો કરતી ભાજપ સરકારમાં શારીરિક શિક્ષણના શિક્ષકો/અધ્યાપકોની 10 વર્ષથી ભરતી કરવામાં આવી નથી.
ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા 15 વર્ષમાં વિવિધ સરકારી ભરતી જેવી કે વિદ્યા સહાયકો માટે ટેટ 1, ટેટ 2, લોકરક્ષક દળ, બિનસચિવાલય કલાર્ક સહિતની પરીક્ષામાં વારંવાર પેપર ફૂટવાની ઘટનાઓ સામે આવી છે. તલાટી ભરતી માટે 15 લાખ રૂપિયામાં રાજ્યવ્યાપી ભરતી કૌભાંડ પણ ભાજપ સરકારના ભ્રષ્ટ વહીવટમાનું એક ઉત્તમ ઉદાહરણ સાબિત થયું છે. મલ્ટીપરપઝ હેલ્થવર્કર અને નર્સિંગ સહીત મેડિકલ પેરામેડીકલની જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા ન થવાના કારણે કોરોના મહામારીમાં લાખો નાગરીકો હેરાન પરેશાન થઇ ગયા. ગ્રામસેવકની ભરતીની જાહેરાતને ચાર વર્ષ થયા છતાં હજુ સુધી ભરતીના ઠેકાણા નથી. ટેટ-ટાટ પાસ થયેલ 50 હજાર જેટલા યુવાનો – યુવતીઓને શિક્ષક તરીકે ભરતી પ્રક્રિયા હાથ ન ધરીને અન્યાય થઈ રહ્યો છે જેની ગંભીર અસર ગુજરાતના શિક્ષણ પર પડી રહી છે.