અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં થયેલા વિકાસની નોધ દુનિયાના વિવિધ દેશોએ લીધી છે, એટલું જ નહીં ભારતનું વિકાસ મોડલ ગુજરાતને માનવામાં આવે છે. દરમિયાન ગુજરાતની ભુપેન્દ્ર પટેલે સરકારે શહેરી વિકાસની દિશાને વધુ વેગ આપવાની નેમ સાથે નવી 7 ટાઉન પ્લાનીંગ સ્કીમને મંજૂરી આપી હતી. આ ટાઉન પ્લાનીંગ સ્કીમમાં અમદાવાદની 4 પ્રિલીમીનરી સ્કીમ અને અલંગની 3 ડ્રાફટ ટી.પી સ્કીમનો સમાવેશ થાય છે
સુત્રોના જણાવ્યા અનુસાર રાજ્ય સરકારે અલંગ વિસ્તાર વિકાસ સત્તામંડળની રચના કર્યા બાદ પ્રથમવાર આ ૩ ડ્રાફટ ટી.પી મુખ્યમંત્રી દ્વારા મંજૂર કરવામાં આવી છે. ભૂપેન્દ્ર પટેલે અલંગની જે ૩ ડ્રાટ ટી.પી મંજૂર કરી છે, તેમાં ડ્રાફટ ટી.પી સ્કીમ નં.1 ત્રાપજ, સ્કીમ નં. 2 મહાદેવપર-કઠવા અને સ્કીમ નં-3 અલંગ-મણાર –કઠવાની સ્કીમ સમાવિષ્ટ છે. આ ડ્રાફટ ટી.પી સ્કીમને મુખ્યમંત્રીની મંજૂરી મળતાં હવે સંબંધિત વિસ્તારોમાં રસ્તાઓનું ઝડપી અમલીકરણ થશે. તેમજ આંતરમાળખાકીય સવલતો પ્રાપ્ત થવાથી નાગરિકોના ઇઝ ઓફ લિવીંગમાં પણ વૃદ્ધિ થશે. અલંગ વિસ્તાર વિકાસ સત્તામંડળની આ ત્રણેય ડ્રાફટ ટી.પી માં કુલ 21.14 હેક્ટર્સ જમીન આર્થિક રીતે નબળા વર્ગના (EWS) લોકોના આવાસો માટે સંપ્રાપ્ત થવાની છે અને કુલ 18900 EWS આવાસો અહિં નિર્માણ થઇ શકશે.
અમદાવાદ મહાનગરપાલિકાની જે 4 પ્રિલીમીનરી ટી.પી મંજૂર કરવામાં આવી છે, તેમાં ટી.પી સ્કીમ નં. 74 (ચાંદખેડા-ઝૂંડાલ), ટી.પી સ્કીમ નં.123/એ (નરોડા), ટી.પી સ્કીમ નં.90 (વિંઝોલ-2) તથા ટી.પી સ્કીમ નં. 96/એ (હાંસોલ-અસારવા) નો સમાવેશ થાય છે. આ ચાર ટી.પી સ્કીમ દ્વારા 2.83 હેક્ટર્સ જમીન વિસ્તારમાં કુલ 4350 EWS આવાસો બનશે.
મુખ્યમંત્રીએ આપેલી મંજૂરીને પરિણામે અલંગ અને અમદાવાદની આ સ્કીમમાં બાગ-બગીચા, રમત-ગમતના મેદાન તથા ખૂલ્લી જગ્યા માટે 29.31 હેક્ટર્સ જમીન અને જાહેર સુવિધાઓ માટે કુલ 25.56 હેક્ટર્સ જમીન પ્રાપ્ત થવાની છે. આંતરમાળખાકીય સુવિધાઓના ખર્ચને પહોંચી વળવાના હેતુસર વેચાણ માટે કુલ 65.68 હેક્ટર્સ જમીન આ ટાઉન પ્લાનીંગ સ્કીમ મંજૂર થવાથી મળશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરી વિસ્તારોના વિકાસને ઝડપી બનાવી લોકોને વધુ સુવિધાઓ આપવાની નેમ સાથે અત્યાર સુધીમાં 100 જેટલી ટાઉન પ્લાનીંગ સ્કીમ મંજૂર કરી છે. તેમણે બીજીવાર મુખ્યમંત્રી તરીકે શહેરી વિકાસ વિભાગાનો હવાલો સંભાળ્યા બાદ વધુ 7 ટાઉન પ્લાનીંગ સ્કીમને તાજેતરમાં મંજૂરી આપી છે.
(PHOTO-FILE)