ગુજરાત સરકારે કૈલાશ માનસરોવર યાત્રાના શ્રદ્ધાળુઓ માટે સહાયની રકમ વધારીને 50,000 રૂપિયા કરી
- કૈલાસ માનસરોવર જતાં ગુજરાતીઓ માટે ખુશખબર
- રાજ્ય સરકાર 50 હજારની સહાય આપશે
અમદાવાદ : ગુજરાત સરકારે શનિવારે રાજ્યમાંથી કૈલાશ માનસરોવરની યાત્રાએ જતા દરેક યાત્રિકો માટે નાણાકીય સહાય 23,000 રૂપિયાથી વધારીને 50,000 રૂપિયા કરવાની જાહેરાત કરી છે. એક સત્તાવાર નિવેદન અનુસાર મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ નિર્ણય લીધો છે. વિદેશ મંત્રાલય દર વર્ષે જૂનથી સપ્ટેમ્બર દરમિયાન કૈલાશ માનસરોવર યાત્રાનું આયોજન કરે છે.
વિદેશ મંત્રાલયની વેબસાઈટ અનુસાર, ભગવાન શિવનું ધામ માનવામાં આવતા કૈલાશ માનસરોવરનું હિન્દુઓ માટે ઘણું મહત્વ છે. જૈનો અને બૌદ્ધો માટે પણ તેનું ધાર્મિક મહત્વ છે. આ યાત્રા માન્ય ભારતીય પાસપોર્ટ ધરાવતા તમામ પાત્ર ભારતીય નાગરિકો માટે ખુલ્લી છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતીઓ દર વર્ષે મોટી સંખ્યામાં ચારધામની યાત્રાએ જાય છે. ત્યારે હવે કૈલાસ માનસરોવરની યાત્રાએ જતા ગુજરાતીઓની સંખ્યા વધી છે. ત્યારે કૈલાસ માનસરોવરની યાત્રાએ જતાં ગુજરાતીઓ માટે ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કૈલાસ માનસરોવરની યાત્રાએ જતાં ગુજરાતી યાત્રીઓને સરકાર હવે 50 હજાર રૂપિયાની સહાય આપશે.
કૈલાસ માનસરોવરની યાત્રાએ જતા ગુજરાતના યાત્રિકોને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી પ્રોત્સાહક સહાયની રકમ યાત્રાળુ દીઠ રૂ. 23,000 થી વધારીને રૂ. 50,000 કરવાનો નિર્ણય કર્યો છે.
— Bhupendra Patel (@Bhupendrapbjp) June 10, 2023
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરતા જણાવ્યું કે, કૈલાસ માનસરોવરની યાત્રાએ જતાં ગુજરાતના યાત્રિકોને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી પ્રોત્સાહક સહાયની રકમ યાત્રાળુ દીઠ રૂ. 23,000થી વધારીને રૂ. 50,000 કરવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ કરેલા આ યાત્રી સુવિધાલક્ષી નિર્ણય અનુસાર કૈલાસ માનસરોવરની યાત્રાએ જનારા ગુજરાતના યાત્રિકોને યાત્રાળુ દીઠ અગાઉ અપાતી રૂપિયા 23 હજારની પ્રોત્સાહક સહાયમાં વધારો કરીને હવેથી યાત્રાળુ દીઠ રૂ. 50 હજાર સહાય અપાશે.