ગાંધીનગરઃ ગુજરાત સરકાર દ્વારા ઘણીબધી યોજનાઓ અમલમાં મુકવામાં આવતી હોય છે. જેમાં કેટલીક યોજનાઓમાં યોગ્ય સફળતા ન મળતા તેનું બાળ મરણ પણ થતું હોય છે. રાજ્ય સરકારના સમાજ-કલ્યાણ વિભાગ દ્વારા અનુસુચિત જનજાતિ(એસટી)ની વિદ્યાર્થિઓને સાયકલ આપવાની યોજના બનાવવામાં આવી હતી. અને કેસરી રંગની સાયકલો અપાતી હતી. પરંતુ કહેવાય છે સરકારની આ યોજનાને યોગ્ય પ્રતિસાદ મળ્યો નહતો. બીજી બાજુ ભ્રષ્ટાચારના આક્ષેપો પણ થવા લાગ્યા હતા. આથી કહેવાય છે. કે રાજ્ય સરકારે સાયકલ આપવાની આ યોજના બંધ કરીને તેના સ્થાને એસટી સમાજની વિદ્યાર્થિઓને ઓનલાઈન તેણીના ખાતામાં સહાય ચૂકવવામાં આવશે. આમ રાજ્ય સરકાર લાભાર્થીઓ પાછળ વપરાતી રકમનો પૂરતો લાભ લાભાર્થીઓને મળે એ માટે યોજનાઓનું સ્વરૂપ બદલી રહી છે.
સૂત્રના જણાવ્યા મુજબ રાજ્ય સરકાર દર વર્ષે ધોરણ 9માં અભ્યાસ કરતી એસટી વિદ્યાર્થિનીઓને સાઈકલ આપે છે. જોકે, આ સાઈકલ નબળી ગુણવત્તાની આવતી હોવાની ફરિયાદ લાભાર્થી વિદ્યાર્થિનીઓ કરી રહી છે. તેથી સરકારે આ ભ્રષ્ટાચારની સાઈકલને તોડવા માટે સાઈકલની કિંમત જ સીધી તેમના ખાતામાં જમા (ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર) કરાવવાનું નક્કી કર્યું છે. અને આ યોજના તૈયાર થઇ ગઇ છે. આદિજાતિ વિભાગના ટોચના અધિકારીઓએ યોજના તૈયાર કરીને વિભાગ સમક્ષ દરખાસ્ત પણ મુકી દીધી છે. વિભાગના અધિકારીઓ યોજના બાબતે સંમત પણ છે અને હવે માત્ર મુખ્યમંત્રીની મંજૂરી લેવાની બાકી છે. આ યોજનામાં ગયા વર્ષ સુધી આદિજાતિ વિદ્યાર્થિનીઓને સરકાર સાઈકલ ખરીદીને આપતી હતી. હવે તેના બદલે સરકાર સાઈકલ જેટલા મૂલ્યની રકમ જ વિદ્યાર્થિનીઓના ખાતામાં જમા કરાવશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે,અત્યાર સુધી રાજ્ય સરકાર સાઈકલ યોજના હેઠળ સાઈકલ ખરીદીને જ દરેક વિદ્યાર્થિનીઓને આપતી હતી. આ યોજનામાં તકલાદી સાઈકલ મળતી હોવાની લાભાર્થીઓની ફરિયાદ હતી. આ ઉપરાંત સરકાર સાઈકલ એક સાથે જથ્થાબંધ ખરીદતી. બાદમાં જે સાઈકલો પડી રહેતી હતી, તે ભંગાર થઈ જતી. તેથી સરકારને નાણાકીય નુકસાન પણ થતું. હવે વિદ્યાર્થિનીઓએ સાઈકલ ખરીદીને તેનું જીએસટી સાથેનું બિલ સરકારમાં જમા કરાવવાનું રહેશે. એટલે વિદ્યાર્થિનીઓના ખાતામાં સાઈકલના બિલ જેટલી રકમ જમા થઇ જશે. આ વખતે એક સાઇકલની કિંમત રૂ. 4616 રખાઈ છે. આ માટે બજેટમાં પણ 42 હજાર વિદ્યાર્થિનીઓ માટે રૂ. 40 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.