Site icon Revoi.in

કાતિલ ઠંડીમાં ઠુંઠવાયુ ગુજરાત, નવ શહેરોમાં સિંગલ ડિઝિટ તાપમાન, માઉન્ટ આબુમાં માઈનસ 6 ડીગ્રી

Social Share

અમદાવાદઃ ગુજરાતભરમાં છેલ્લા એક સપ્તાહથી કડકડતી ટંડીનું મોજું ફરી વળ્યું છે. ઠંડીને કારણે જનજીવન પર અસર પડી છે. સમીસાંજ બાદ હાઈવે પુરના ટ્રાફિકમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે મંગળવારે નલિયા, ભૂજ, રાજકોટ, ડિસા, ગાંધીનગર સહિતનાં સ્થળોએ સિંગલ ડિઝીટ તાપમાન નોંધાતા લોકો ધ્રુજી ગયા હતા. દરમિયાન રાજયના હવામાન વિભાગનાં સૂત્રોએ જણાવ્યું હતું કે,  રાજ્યમાં હજુ બે દિવસ સુધી કોલ્ડવેવની અસર રહેશે. જો કે કેટલાક વિસ્તારોમાં  બુધવાર સવારનાં તાપમાનમાં આંશિક વધારો થશે. આજે પણ રાજયનું સૌથી ઠંડુ શહેર 2.4 ડિગ્રી સાથે નલિયા જ રહ્યું હતું. જયારે ભૂજમાં 8.7 ડિગ્રી તથા કંડલામાં 10.9 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાવા પામ્યું હતું.  અ૨વલ્લી પર્વતીય શ્રૃંખલામાં આવતા રાજસ્થાનમાં પર્યટન સ્થળ માઉન્ટ આબુમાં આજે પણ તાપમાન માઈનસમાં નોંધાયુ હતું. સીઝનનું સૌથી નીચુ માઈનસ 6ડીગ્રી તાપમાન હતુ. છેલ્લા ત્રણ દાયકાનો રેકોર્ડ તૂટયો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટ શહેરમાં ગઈકાલની સરખામણીમાં આજે બે ડિગ્રી તાપમાન ઉંચકાયું હતું. સવારે 9.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાવા પામ્યું હતું. આ ઉપરાંત અમદાવાદમાં પણ 9.7 ડિગ્રી સાથે  ઠંડીનો અહેસાસ થયો હતો. વડોદરામાં 11.2 અને ભાવનગરમાં 11.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતું. ભાવનગરમાં 11.4 ડિગ્રી તાપમાને સીઝનનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો.  રાજ્યના પાટનગર ગાંધીનગર પણ આજે 8.8 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે ઠંડુ બોળ રહ્યું હતું. સવારે જૂનાગઢમાં 10.3, ઓખામાં 18.9, પાટણમાં 8.1, તથા પોરબંદરમાં 8.6 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતું. જયારે  સવારે સુરતમાં 12 ડિગ્રી અને વેરાવળમાં 13.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું  હતું. આમ આજે પણ સતત બીજા દિવસે સોરઠમાં કોલ્ડવેવ રહેતા જનજીવન ઠુંઠવાઈ ગયું હતું. આજે જુનાગઢના ગિરનાર પર 2.2 ડિગ્રી કાતિલ ઠંડી રહી હતી. ગિરનારનું તાપમાન 1.3 ડિગ્રી રહ્યા બાદ આજે પારો થોડો ઉપર ચડયો હતો. પરંતુ હાડ થીજાવતી ઠંડી અને ઠાર યથાવત રહેતા આજે પણ ગિરનાર હિમાલય જેવો ઠંડોગાર રહ્યો હતો. જુનાગઢમાં સવારે લઘુતમ તાપમાન 7.2 ડિગ્રી રહેતા સમગ્ર વિસ્તારમાં તીવ્ર ઠંડીનું મોજુ ફરી વળ્યું હતું. સવારના વાતાવરણમાં ભેજ 75 ટકા અને પવનની ગતિ 5.4 કિ.મી.ની રહી હતી.

રાજકોટ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ દ્વારા હવામાન ખાતાની આગાહી અનુસાર તા.17થી 20 જાન્યુઆરી સુધી કોલ્ડ વેવની સંભાવના હોવાથી લોકોને ઠંડીથી બચવા માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.  લોકોને રોગપ્રતિકારક શક્તિ જાળવવા માટે વિટામીન – ઈથી ભરપુર ફળો અને શાકભાજીનું સેવન કરવું જોઈએ. વૃધ્ધ લોકો, નવજાત શિશુઓ અને બાળકોની સંભાળ રાખો અને પડોશીઓ કે જેઓ એકલા રહે છે ખાસ કરીને વૃદ્ઘોની સુખાકારી વિશે ધ્યાન રાખો. શિયાળામાં ફ્ક્ત વહેતું ભરેલું નાક અથવા નાકમાંથી રક્તસ્ત્રાવ જેવી વિવિધ બીમારીઓની શક્યતા વધી જાય છે, જે સામાન્ય રીતે શરદીના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાને કારણે વધે છે